કેન્યામાં સ્કૂલો બંધ કરવા મુદ્દે સરકાર સામે પેરન્ટ્સે કેસ કર્યો

Tuesday 01st September 2020 15:52 EDT
 

નાઈરોબીઃ યુગાન્ડામાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવાના પ્રયાસમાં સ્કૂલો સતત બંધ રાખવા બદલ નાઈરોબીના પેરન્ટે સરકાર સામે કેસ દાખલ કર્યો છે. દેશમાં કોવિડ-૧૯નો પ્રથમ કેસ નોંધાયો તેના થોડા દિવસ પછી માર્ચમાં પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ સ્કૂલો બંધ કરવાનો આદેશ આપ્યો હતો. શાળાઓ સપ્ટેમ્બરમાં ફરી શરૂ કરાવાની હતી પરંતુ, કોરોનાના કેસની સંખ્યા વધવાથી અને વિદ્યાર્થીઓના રક્ષણ માટે અપૂરતા પગલાંને લીધે એજ્યુકેશન કેબિનેટ સેક્રેટરી જ્યોર્જ મેગોહાએ શિક્ષણકાર્ય આગામી જાન્યુઆરી ૨૦૨૧ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી.

જોકે, આ બાબત વર્તમાન સંજોગો પર આધારિત રહેશે. કેન્યાએ ૨૪ ઓગસ્ટ સુધી ૫૫૪ મૃત્યુ અને ૧૮,૮૯૫ કેસની રીકવરી સાથે વાઈરસના ૩૨,૫૫૭ કેસ નોંધાયા હોવાનું જાહેર કર્યું હતું. કેન્યા ગેઝેટમાં આદેશ પ્રસિદ્ધ કર્યા વિના અથવા નેશનલ એસેમ્બલીમાં તેના પર ચર્ચા અને તેની મંજૂરી વિના રાષ્ટ્રને સંબોધન દ્વારા પ્રમુખ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ આપી શકે કે કેમ તે કોર્ટ નક્કી કરે તેમ કેસ કરનારા પેરન્ટ એનોક ઔરા ઈચ્છે છે.

શૈક્ષણિક સંસ્થાઓને કોવિડ-૧૯ ક્વોરન્ટાઈન ફેસિલીટીમાં ફેરવવાની કામગીરીને પબ્લિક હેલ્થ એક્ટના ભંગ સમાન જાહેર કરવા તેમણે કોર્ટને અનુરોધ કર્યો હતો. તેમણે વિદ્યાર્થીઓની હાજરી સાથે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્કૂલો ૧ સપ્ટેમ્બરથી ફરી શરૂ કરવા મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનને ફરજ પાડતો આદેશ આપવા કોર્ટેને અનુરોધ કર્યો હતો. આ તારીખ સમગ્ર કેન્યામાં બીજી શૈક્ષણિક ટર્મ શરૂ થવાની તારીખ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter