નાઈરોબીઃ આ વર્ષની શરૂઆતથી કેન્યામાં સ્ત્રીહત્યા (ફેમિસાઈડ)ના ઓછામાં ઓછાં ડઝન કેસ બહાર આવવા સાથે શનિવાર 27 જાન્યુઆરીએ નાઈરોબી, કિસુમુ અને મોમ્બાસા સહિત દેશભરમાં હજારો મહિલા વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી. જાન્યુઆરીમાં પણ ફેમિસાઈડનું પ્રમાણ વધ્યું હતું. કેન્યામાં 2016 પછી ફેમિસાઈડના ઓછામાં ઓછાં 500 કેસ બહાર આવ્યા હતા.
કેન્યામાં સ્ત્રીહત્યાના કેસીસ વધવાના વિરોધમાં મુખ્ય શહેરોમાં હજારો મહિલાએ ‘સ્ટોપકિલિંગઅસ’, ‘એન્ડફેમિસાઈડકે’ અને ‘વીજસ્ટવોન્ટટુલિવ’ના લખાણો સાથેના પ્લેકાર્ડ્સ સાથે દેખાવો કર્યાં હતાં. કેટલાક પ્લેકાર્ડ્સમાં તાજેતરના મહિનામાં હત્યા કરાયેલી સ્ત્રીઓનાં નામ લખવા ઉપરાંત, ‘સે ઘેર નેઈમ્સ’ અથવા ‘શીવોઝસમવન’ સંદેશા પણ લખાયેલા હતા. સ્ત્રીઓની હિંસક હત્યાઓનો અંત લાવવાની હાકલ કરતી હજારો પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. સ્ત્રીહત્યાના બહુમતી કેસીસમાં તેમના જાણીતા તેમજ નિકટના સંબંધ ધરાવતા પુરુષો જવાબદાર હોવાનું જણાયું હતું.