નાઈરોબીઃ ફિમેલ જેનીટલ મ્યુટિલેશન (FGM) એટલે કે મહિલાઓના પ્રજનનાંગની વાઢકાપ (ખતના) નું સંશોધન કરતાં અને તેની સામે કેમ્પેઈન ચલાવતા ડો. ટેમરી એશોએ જણાવ્યું કે કેન્યાની ૪૨ માન્ય કોમ્યુનિટી પૈકી માત્ર ચાર કોમ્યુનિટીએ ઐતિહાસિક FGM પ્રણાલિ અપનાવી નથી. તેમણે ઉમેર્યું કે અત્યારે ઘણી કોમ્યુનિટીમાં પરિવર્તન આવ્યું છે અને આ મુદ્દે આફ્રિકાના વધુ વિકાસશીલ દેશોમાં એક તરીકે કેન્યા ગણાય છે.
૧૫થી ૧૯ વચ્ચેની વયની દસમાંથી માત્ર એકથી વધુ છોકરી જ FGMની પ્રક્રિયામાંથી પસાર થઈ હોવાનો અંદાજ છે. આ દર ૧૯૭૪ કરતાં ૫૦ ટકા ઓછો છે.
કોમ્યુનિટીના લોકોને FGM નો સામનો કરવા માટે ટ્રેનિંગ આપાતા Men End FGM ફાઉન્ડેશનના સ્થાપક ટોની મ્વેબીઆએ જણાવ્યું કે પુરુષો પરિસ્થિતિ બદલી શકે. તેઓ નિર્ણય લેનારા છે. પુરુષો પાસે મંચ છે, શ્રોતાઓ છે અને તેમનો પ્રભાવ છે.
૨૦૧૪માં મહિલાઓની કુલ વસતિ પૈકી ૨૦ ટકાએ એટલે કે ચાર મિલિયન મહિલાઓએ કોઈક પ્રકારે FGM કરાવ્યાનો અંદાજ હતો. ઘણી કોમ્યુનિટીમાં તેને
લગ્ન માટેની પૂર્વશરત મનાય છે.
જોસેફીને જણાવ્યું કે પહેલાના સમયમાં કોઈ FGM કરાવવાની ના પાડે તો તેને પતિ મળવો મુશ્કેલ થઈ જતો. તે ઈન્કાર કરે તો તે પરિવારમાં તેનો સંપૂર્ણ સ્વીકાર થતો નહીં. તેને તેના પરિવારમાં પાછી મોકલી દેવાતી. તેના માતાપિતાને શરમનો અનુભવ થતો અને તેમની હાંસી ઉડાવાતી હતી.