નાઈરોબીઃ કેન્યામાં મધમાખી ઉછેરનારાઓ મધ તૈયાર કરવાની પરંપરાગત કામગીરી છોડી એપિટોક્સિન તરીકે જાણીતું મધમાખીનું ઝેર મેળવવા માટે મધપૂડા ઉછેરી રહ્યા છે. વૈકલ્પિક મેડિસીનની લોકપ્રિયતા વધી રહી છે જેમાં મધમાખીનાં ઝેરનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું બજાર લોભામણું અને વધુ આવક લાવનારૂં રહેવાથી સ્થાનિક બીકીપર્સનો ઝોક તેના તરફ વધી રહ્યો છે.
મધમાખીનું ઝેર મેળવવા વિશિષ્ટ પદ્ધતિ અપનાવાય છે. મધમાખીને નુકસાન પહોંચાડ્યા વિના જ મધમાખીને એપિટોક્સિનનો સ્રાવ કરે તે માટે ઉત્તેજિત કરવામાં કરવામાં આવે છે. દરેક મધમાખીના મધમાં થોડાં મિલિગ્રામના અલ્પ પ્રમાણમાં આ ઝેર રહેલું છે. પરંપરાગત મધપૂડા ઉછેરી મધ મેળવવામાં ચાર મહિના જેટલો લાીંબો સમય રાહ જોવાની થાય છે તેની સરખામણીએ એપિટોક્સિન દરરોજ મેળવી શકાય અને દૈનિક આવકનો સ્રોત બની શકે છે. સ્થાનિક બજારમાં મધમાખીનું એક ગ્રામ ઝેર 30 ડોલરની કિંમત રળી આપે છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું પ્રતિ ગ્રામ મૂલ્ય 100 ડોલર જેટલું રહે છે.
આમ કેન્યામાં, એપિથેરાપીની સાથોસાથ મધમાખીના ઝેર-બી વેનોમની લોકપ્રિયતા વધી રહી છે. ચાઈનીઝ પદ્ધતિની વૈકલ્પિક થેરાપીના નિષ્ણાતો અથવા એપિથેરાપિસ્ટ્સ અનુસાર એપિટોક્સિન જેવાં ઝેરથી શરીરમાં લાભકારક એન્ટિબોડીઝ સર્જાય છે. જોકે, સંભવિત વિપરીત રીએક્શન્સનું જોખમ ટાળવા એલર્જી પરીક્ષણો સહિત સાવચેતી લેવામાં આવે છે.