નાઈરોબીઃ શરાબના વેચાણ માટે પ્રમુખે આપેલા આદેશમાં છૂટછાટને લીધે હોટલો અને રેસ્ટોરન્ટ્સને જીવતદાન મળ્યું છે. ટુરિઝમ કેબિનેટ સેક્રેટરી નજીબ બલાલાએ સહી કરેલા પત્ર મુજબ લોજ, હોટલો અને રેસ્ટોરન્ટ્સને તેમના ગ્રાહકોને ખાનગીમાં શરાબ વેચવાની મંજૂરી અપાઈ છે. જોકે, હોટલની અંદરના જાહેર વિસ્તારમાં હજુ પણ શરાબ વેચી શકાશે નહીં. સરકારે કોવિડ-૧૯ ના નિયંત્રણો હળવા બનાવતા મુલાકાતીઓ આવતા હોવાથી શરાબના વેચાણ અંગે કેન્યા એસોસિએશન ઓફ હોટલ કીપર્સ એન્ડ કેટરર્સના સીઈઓ માઈકલ મચારિયાએ સ્પષ્ટતા માટે લખેલા પત્રના પ્રતિભાવમાં તેમણે આ પત્ર પાઠવ્યો હતો. મોટાભાગની હોટલોએ રિ-ઓપનીંગ ઓફર પેકેજીસમાં શરાબના વેચાણનો સમાવેશ કર્યો હતો.
ગઈ ૨૭ જુલાઈએ પ્રમુખ ઉહુરુ કેન્યાટાએ દેશભરની તમામ રેસ્ટોરન્ટ્સમાં શરાબના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને કોવિડના સંક્રમણના વધતા દરને ઘટાડવા માટે તમામ બાર અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો આદેશ કર્યો હતો.