કમ્પાલાઃ સામાન્યપણે સરેરાશ ખેડૂત માટે કેળનું વૃક્ષ તેના ફળ વિના લગભગ નકામું જ હોય છે અને ઘણી વખત તો તેના થડ મૂળમાંથી ઉખાડી નાખવા પડતા હોવાથી સમસ્યા પણ ઉભી કરે છે. પરંતુ, આ ફેંકી દેવાતાં થડ કોઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તો કેવું? યુગાન્ડાના એક વેસ્ટ મેનેજમેન્ટ ગ્રૂપ TEXFAD સ્ટાર્ટઅપ દ્વારા કેળનાં થડ ખરીદવાનો બિઝનેસ થઈ રહ્યો છે જે કેળનાં રેસાં કે ફાઈબરમાંથી ડોરમેટ્સ,વાળની વિગ સહિતના બાયોડિગ્રેડેબલ હેન્ડિક્રાફ્ટ્સ બનાવે છે.
વિશ્વમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન અને વપરાશ યુગાન્ડામાં થાય છે. દેશમાં 2018માં 6.5 મેટ્રિક ટન અને 2019માં 8.3 મેટ્રિક ટન કેળાંનું ઉત્પાદન કરાયું હતું જે વરસોવરસ વધતું જાય છે. યુએન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અનુસાર યુગાન્ડાના ગ્રામીણ વિસ્તારોમાં રોજિંદી કેલોરીમાં 25 ટકા હિસ્સો કેળાંમાંથી મળે છે. સ્થાનિક રીતરિવાજ અને પરંપરાઓમાં કેળાંનો ઉપયોગ વણાયેલો છે. લાખો હેક્ટર જમીનમાં કેળાંનો પાક લઈ લેવાયાં પછી થડ સહિત સેંકડો ટન કચરો પડી રહે છે. યુગાન્ડાનું સ્ટાર્ટઅપ ખેડૂતોના જૂથો પાસેથી સૂકાં રેસાંની ખરીદી કરે છે, તેને કપાસના સ્તર જેવાં પોચાં બનાવાય છે અને તેમાંથી મશીનો મારફત દોરાં બનાવાય છે. તેમાંથી બનાવાતી વિવિધ આઈટમ્સની યુરોપ સહિતના દેશોમાં નિકાસ થાય છે.