કિંશાશા: કોંગોની મિલિટરી કોર્ટે પાંચ વર્ષ અગાઉ મધ્ય કોંગોના કસાઇ પ્રાંતમા યુનાઇટેડ નેશન્સ (યુએન)ના તપાસકર્તાઓ માઇકલ શાર્પ અને ઝૈદા કેટલાનની હત્યા કરવા બદલ લગભગ ૫૦ લોકોને ફાંસીની સજા ફટકારી છે.
કસાઇ ઓક્સિડેન્ટલ મિલિટરી કોર્ટના પ્રેસિડન્ટ બ્રિગેડિયર જનરલ જીન પોલીન નત્શાયોકોલોએ જણાવ્યું હતું કે ૫૪ આરોપીઓમાંથી એકને આદેશનો ભંગ કરવા બદલ ૧૦ વર્ષની સજા અને અન્ય બેને મુક્ત કરવામાં આવ્યા છે. જેમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તેઓ આજીવન કેદમાં રહેશે કારણ કે કોંગોમાં ૨૦૦૩થી ફાંસી આપવામાં આવતી નથી. અમેરિકાના શાર્પ અને સ્વીડનના કેટલાનની ૧૨ માર્ચ, ૨૦૧૭ના રોજ કસાઇ મધ્ય પ્રાંતમાં હત્યા કરવામાં આવી હતી.
તેઓ આ ક્ષેત્રમાં સક્રિય મિલિશિયા કામવિના ન્સાપુના પ્રતિનિધિઓ સાથે યાત્રા કરી રહ્યાં હતાં એ સમયે આ બંનેની હત્યા કરાઈ હતી. તેમના મૃતદેહ બે સપ્તાહ પછી એક કબરમાંથી મળી આવ્યા હતાં.