લંડન
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગોમાં સેના અને M23 વચ્ચે ચાલી રહેલી ભીષણ લડાઇના કારણે મહત્વના શહેર ગોમામાં હજારો લોકો વિસ્થાપિત થયાં છે. 20 ઓક્ટોબરથી M23 બળવાખોરો અને કોંગોની સેના વચ્ચે શરૂ થયેલી લડાઇ હવે ગોમા શહેર સુધી પહોંચી છે. કિબુમ્બા, રુગારી અને ટોંગો ગામોની આસપાસ સેના અને બળવાખોરો વચ્ચે ભીષણ લડાઇ ચાલી રહી છે. કિબુમ્બા ગામ ગોમા શહેરથી ફક્ત 12 માઇલ દૂર આવેલું છે. સેનાના પ્રવક્તા ગુઇલૌમીએ જણાવ્યું હતું કે, બળવાખોરો વારંવાર અમારા પર હુમલા કરી રહ્યાં છે પરંતુ અમે તેમનો મજબૂત પ્રતિકાર કરી રહ્યાં છીએ.
ટોંગો ગામના એક રહેવાસીએ જણાવ્યું હતું કે, સેનાએ બળવાખોરોની સામે હથિયાર હેઠાં મૂકી દીધાં છે. લોકો મોટાપાયે હિજરત કરી રહ્યાં છે. કિબુમ્બા ગામમાં પણ આજ સ્થિતિ પ્રવર્તી રહી છે.
કોમ્યુનિટી લીડર્સનું કહેવું છે કે ફ્રન્ટલાઇન પાસે 60,000થી વધુ લોકો ફસાયેલાં છે. આ વિસ્તાર પર બળવાખોરોએ કબજો જમાવી દીધો છે. અમે ઇચ્છીએ છીએ કે એક માનવીય કોરીડોર તૈયાર કરવામાં આવે જેથી ફસાયેલા લોકો યુદ્ધ ઉગ્ર બને તે પહેલાં સલામત સ્થળે જઇ શકે. તાજેતરમાં જ સેંકડો લોકો કિબાતી તરફ પલાયન કરી ગયાં છે. કિબાતીમાં 3 નિરાશ્રીત છાવણી તૈયાર કરાઇ છે.
તાજેતરમાં ગોમાની મુલાકાત લેનારા કેન્યાના પૂર્વ પ્રમુખ ઉહુરુ કેન્યાતાએ કોંગોમાં તાત્કાલિક આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, લાખો લોકો ઘરો છોડીને સડક કિનારે આશ્રય લઇ રહયાં છે.