કિન્સાસા: આફ્રિકા ખંડના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જગતનો સૌથી મોટો ડેમ ટૂંક સમયમાં બંધાવો શરૂ થશે. આ ડેમનું નામ ઈંગા-૩ ડેમ રાખવામાં આવ્યું છે. કોંગો નદી પર આવેલા ઈંગા ધોધ પાસે આ ડેમ બનશે. ડેમ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રકારનો હશે એટલે કે તેનો ઉદ્દેશ પાણી રોકવા સાથે જળ-ઊર્જા પેદા કરવાનો છે. હાલની ગણતરી પ્રમાણે ૨૦ પરમાણુ મથકોમાંથી મળે એટલી ઊર્જા આ એકલો ડેમ આપશે.
ડેમ પ્રોજેક્ટ પાછળ ૧૦૦ બિલિયન ડોલરથી વધારે ખર્ચ થવાની સંભાવના છે. ઈંગા ધોધ જ્યાં સવા ત્રણસો ફીટ ઊંચેથી નીચે ખાબકે છે એ વિસ્તારમાં એક પછી એક ૩ ડેમ આ પ્રોજેક્ટ હેઠળ બનશે. ત્રણેય ડેમ અનુક્રમે ઈંગા-૧, ઈંગા-૨ અને ઈંગા-૩ તરીકે ઓળખાશે. ડેમ માટે અંદાજે ૬૦,૦૦૦ લોકોને હટાવી તેમનું પુનઃસ્થાપન કરવું પડશે. ડેમનો પ્રોજેક્ટ તબક્કાવાર આગળ વધશે અને આખું ડેમ સંકુલ તૈયાર થઈ જશે પછી અંદાજે ૪૦,૦૦૦ મેગાવોટ વીજળી પેદા થઈ શકશે.