હરારેઃ આફ્રિકા ખંડનો દેશ ઝિમ્બાબ્વે ત્યાંના અત્યંત ઊંચા ફુગાવા, બેકારી, ગરીબી, ભૂખમરા અને ભ્રષ્ટાચાર માટે જાણીતો છે. આ દેશની હાલત કેટલી બદતર થઈ ચૂકી છે, તેનો ચિતાર સરકારની લેટેસ્ટ જાહેરાતમાંથી મળી આવે છે. ઝિમ્બાબ્વે સરકારે જાહેર કર્યું છે કે, ભૂખમરો અને અન્નઅછતનો સામનો કરવા દેશ પોતાના વન્યજીવો વેચશે.
કોઈ સરકાર વન્યજીવોને વેચવા કાઢતી હોય એવો બનાવ સંભવત: આ જગતમાં પહેલો હશે. કેમ કે સામાન્ય રીતે સરકાર જંગલી સજીવોને રક્ષણ આપતી હોય છે. અહીં સ્થિતિ ઉલટી છે.
ક્યા ક્યા પ્રકારના સજીવો વેચશે, ક્યારે વેચશે, કઈ કિંમતે વેચશે, તેની વિગતો હજુ સુધી જાહેર કરાઈ નથી. ઝિમ્બાબ્વેના વાઈલ્ડ લાઈફ એક્ટમાં ક્યા સજીવોનું વેચાણ થઈ શકે. ક્યા સજીવોનું ન થઈ શકે તેની સ્પષ્ટતા કરાઈ છે. એ પ્રમાણે અજગર, ગેંડા જેવા સજીવોની લેતી-દેતી થઈ શકતી નથી, પણ હાથી અને સિંહ જેવા સજીવો વેચવાની છૂટ છે. તેનું કારણ કદાચ એ હોઈ શકે કે ૧૯૭૫માં આ કાયદો બન્યો ત્યારે સિંહ અને હાથીની પુષ્કળ સંખ્યા ઝિમ્બાબ્વેના જંગલોમાં હતી. હવે તો શિકારને કારણે હાથી અને વધતા માનવીય અતિક્રમણને કારણે સિંહોની સંખ્યા ઓછી થઈ ગઈ છે.
જગતના અનેક દેશો અને સંસ્થાઓને વાંધો હોવા છતાં ઝિમ્બાબ્વે સરકારે પોતાના દેશમાં શિકાર કે સજીવોની હેરાફેરી પર ખાસ આકરો પ્રતિબંધ મૂક્યો નથી. જુલાઈ ૨૦૧૫માં ઝિમ્બાબ્વેએ ચીનને ૨૪ જંગલી હાથીનું વેચાણ કર્યું હતું. કઈ કિંમતે વેચાયા એ જાહેર નથી કરાયું, પણ એક જંગલી હાથીની કિંમત વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડના હિસાબે ૪૦થી ૬૦ હજાર ડોલર વચ્ચે હોઈ શકે છે.