કેપ ટાઉનઃ બ્રિટિશ એરવેઝની ફ્લાઈટ્સનું સંચાલન કરતી સાઉથ આફ્રિકાની એરલાઈન કોમએર પાસે ભંડોળ ખલાસ થઈ જતા તમામ ફ્લાઈટ્સ બંધ કરી દેવાની જાહેરાત કરી છે. એડમિનિસ્ટ્રેશન હેઠળ મૂકાયેલી કંપનીએ જણાવ્યું હતું કે આવશ્યક મૂડી મેળવવાના પ્રયાસ ચાલે છે અને ટુંક સમયમાં ભંડોળ પ્રાપ્ત થવા સાથે ઉડ્ડયન કામગીરી ફરી શરૂ કરાશે.
કોમએર બજેટ એરલાઈન કુલુલાનું પણ સંચાલન કરે છે. બંને એરલાઈન્સના વિમાનો ગ્રાઉન્ડ પર મૂકી દેવાયા છે અને ટિકિટ્સનું વેચાણ અટકાવી દેવાયું છે. મહામારી લોકડાઉન્સના ગાળામાં મે 2020માં કોમ એર દ્વારા કંપનીના પુનઃ માળખાકીય ફેરફાર માટે સ્વૈચ્છિક ભંડોળ બચાવ અથવા નાદારીમાંથી રક્ષણની પ્રક્રિયા માટે ફાઈલિંગ કર્યું હતું. 26 બોઈંગ વિમાનનો કાફલો ધરાવતી કોમ એર દ્વારા આ વર્ષના ફેબ્રુઆરીમાં મોટા ભાગની ફ્લાઈટ્સ શરૂ કરી દેવાઈ હતી.