યાઔન્ડેઃ કામરૂનમાં કોમી હિંસા ફાટી નીકળ્યા પછી ૧૧,૦૦૦ કામરૂનવાસીઓ ભાગીને ચાડ પહોંચ્યા હતા. ચાડની યુએન રેફ્યુજી એજન્સી UNHCR અને યુરોપિયન સિવિલ પ્રોટેક્શન એન્ડ હ્યુમેનિટેરિયન એઈડ ઓપરેશન્સે જણાવ્યું હતું કે તાડ આવેલા લોકોને ચારી બાગુઈમી પ્રાંતના જુદા જુદા ગામોમાં વસાવવામાં આવ્યા છે.
UNHCRએ જણાવ્યું હતું કે તેના અધિકારીઓએ અન્ય પાર્ટનરો સાથે ૧૪ ઓગસ્ટે કામરૂનના શરણાર્થીઓને જ્યાં રખાયા છે તેવા એક સ્થળની નવા આવેલા લોકો અને તેમની જરૂરિયાતો જાણવા માટે મુલાકાત લીધી હતી. તેમની મુખ્ય જરૂરિયાત ફૂડ, નોન – ફૂડ આઈટમ્સ અને આશ્રયસ્થાન છે.
વર્તમાન સમયમાં દેશમાં સૌથી જીવલેણ આંતરકોમી હિંસામાં કામરૂનના ફાર નોર્થ પ્રાંતમાં માછીમારોએ જમીનમાં ખોદેલા પાણીના ખાડા બાબતે મૌગૌમ માછીમારો અને આરબ ચોઆ પશુપાલકો વચ્ચે ૭ ઓગસ્ટે થયેલી અથડામણોમાં ૨૨ લોકો માર્યા ગયા હતા અને ૭ ઘવાયા હતા.
પ્રાંતના ગવર્નર મિદ્જીયાવા બાકરીએ જણાવ્યું કે ચાડ અને નાઈજીરીયાની સરહદે પ્રદેશના લોગોન અને ચારી વિભાગમાં નજીવી બાબતમાં થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.
કામરૂનના સત્તાવાળાઓએ તે વિસ્તારમાં લશ્કર ખડકી દીધું છે અને બન્ને કોમોના પ્રતિનિધિઓ સાથે શાંતિ મંત્રણા યોજી રહ્યા છે.