નાઈરોબીઃ દેશમાં કોવિડ – ૧૯ સંક્રમણના કેસોમાં વિક્રમજનક વધારો થતાં કેન્યામાં બીજી સૂચના ન અપાય ત્યાં સુધી કરફ્યુ લંબાવાયો હતો.હેલ્થ કેબિનેટ સેક્રેટરી મુતાહી કાગ્વેએ જણાવ્યું હતું કે દેશભરમાં રાત્રે ૧૦થી સવારના ૪ વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે.
દેશમાં ૨૪ કલાકમાં કરાયેલા ૭,૨૯૫ ટેસ્ટમાંથી ૯૪૫ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવિટી રેટ વધીને ૧૩ ટકા થયો છે.
કાગ્વેએ જણવ્યું કે સંક્રમણની સંખ્યા વધતાં મોટાભાગની હેલ્થકેર ફેસિલિટીઝ ભરાઈ ગઈ છે. તેમણે વાઈરસને ફેલાતો અટકાવવા માટે હેલ્થ ગાઈડલાઈન્સનું પાલન કરવા કેન્યાવાસીઓને અનુરોધ કર્યો હતો. તેમણે દેશવાસીઓને પોતાની જાતે સારવાર ન કરવા પણ અપીલ કરી હતી. તેમણે લોકોને ક્વોલિફાઈડ હેલ્થકેર વર્કર્સની સારવાર લેવા અનુરોધ કરતા જણાવ્યું કે આ ચોક્કસ પગલાંને ન અનુસરવાથી કેટલાંક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
કેસો વધવાથી ગાઈડલાઈન્સમાં પણ ફેરફાર કરાયો હતો. તેમાં રૂબરૂ મુલાકાત અને લોકોના ભેગાં થવા પર નિયંત્રણ મૂકાયા હતા. ધાર્મિક સ્થળોને તેની ક્ષમતાના માત્ર ૩૩ ટકા લોકોને જ પ્રવેશ આપવા જણાવાયું હતું. તેમને એક મીટરનું અંતર જાળવવા જણાવાયું હતું. તમામ રેસ્ટોરન્ટ્સને નિયમોના કડક પાલન સાથે રાખવા જણાવાયું હતું. કેન્યામાં કોરોનાના કુલ ૨૦૧,૯૫૪ કેસ છે.