કમ્પાલાઃ મુસ્લિમોના ક્રિશ્ચિયાનિટીમાં ધર્માન્તરથી કટ્ટરવાદી મુસ્લિમોમાં ખળભળાટ મચી ગયો છે. યુગાન્ડાના પૂર્વમાં બુગોબી ગામની મસ્જિદના પૂર્વ ઈમામ સ્વાલેહ મુલોન્ગોને ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા બદલ કટ્ટરવાદી મુસ્લિમોએ 13 માર્ચ રવિવારે હુમલો કરી માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. પૂર્વ યુગાન્ડાના આ જ વિસ્તારની અન્ય ઘટનામાં કટ્ટરવાદીઓએ નવાસવા ખ્રિસ્તી ધર્મમાં જોડાયેલા પરિવારના સભ્યો પર એસિડ ફેંક્યો હતો.
પૂર્વ ઈમામ મુલોન્ગોએ કહ્યું હતું કે 13 જાન્યુઆરીએ જિસસ ક્રાઈસ્ટમાં પોતાનો વિશ્વાર જાહેર કરવા પહેલા તેણે સ્થાનિીક પાદરીની મુલાકાત લીધી હતી. મુલોન્ગોએ બુગોબી મસ્જિદમાં નમાઝ પઢાવવાનું બંધ કરી દીધા પછી શેખ અબુબકર સેકિમ્પીએ મુલોન્ગોની શોધ ચલાવી હતી. મુલોન્ગોએ ઈગાન્ગાના ચર્ચમાં પ્રાર્થના શરૂ કરી હતી અને કટ્ટરવાદી મુસ્લિમોએ ચર્ચથી પાંચ કિલોમીટરના અંતરે તેની રાહ જોઈ હતી. મુલોન્ગોને લાકડીઓ અને મુક્કાનો માર મારવા દરમિયાન લોકો આવી પહોંચતા તેનો જાન બચી ગયો હતો. માથા પર ઈજા, ભાંગેલા હાથ અને પીઠમાં ઈજા સાથે મુલોન્ગોને ઈગાન્ગાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હુમલાખોરો તેને મારી નાખવાની ધમકી સાથેની ચિઠ્ઠી પણ મૂકી ગયા હતા. હુમલાખોરોએ મુલોન્ગોને ખ્રિસ્તી બનાવનારા પાદરીની બકરીઓ અને મરઘીઓને પણ મારી નાખી હતી.