ડોડોમાઃ ક્લાઈમેટ ચેન્જની અસરને ખાળવા માટે ટાન્ઝાનિયા તેના વિવિધ ભાગોમાં ચાર વ્યૂહાત્મક ડેમનું નિર્માણ કરવાનું આયોજન કરી રહ્યું હોવાનું કેબિનેટ મિનિસ્ટર જૂમા આવેસોએ જણાવ્યું હતુ. તેમણે ઉમેર્યું કે ડોડોમા, મોરોગોરો, સોંગ્વે અને ઈરિંગામાં આ ડેમના નિર્માણની તૈયારી ચાલી રહી છે. દેશના વિવિધ ભાગોમાં મધ્યમ કદના જે ડેમનું નિર્માંણ થઈ રહ્યું છે તેની સાથે સાથે આ ડેમોનું બાંધકામ થશે.
ડોડોમા ખાતે પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે ક્લાઈમેટ ચેન્જને લીધે દેશમાં જળસંસાધનોને અસર પહોંચી છે. તેમણે ઉમેર્યું કે જળ સંસાધનો પર ક્લાઈમેટ ચેન્જની અસરને ખાળવા માટે અન્ય પગલાંમાં વિક્ટોરિયા, ટાંગાન્યિકા અને ન્યાસાના મોટા તળાવો તેમજ રુવુમા, રુફીજી, કિવીરા, સોંગ્વે અને કગેરાની મુખ્ય નદીઓમાંથી પાણી ખેંચવામાં આવશે. તેમણે ઉમેર્યું કે દેશના પાણીના મુખ્ય વિસ્તારોનું રક્ષણ કરવાના ઉદ્દેશ સાથે પગલાં અમલમાં મૂકવામાં આવ્યા છે.