નાઈરોબીઃ કેન્યાની ખગોળશાસ્ત્રી સુસાન મુરાબાના આફ્રિકન મહિલાને અવકાશમાં જતાં નિહાળવાની મહેચ્છા ધરાવે છે અને આ મિશન સાથે લોકોમાં અને ખાસ કરીને બાળકોમાં બ્રહ્માંડ વિશે રસ જગાવવા ટેલિસ્કોપ સાથે દેશમાં મુસાફરી કરતી રહે છે. ખગોળશાસ્ત્રી સુસાન સ્ટાર સફારીનું આયોજન કરે છે અને તેમના 50 કિલો વજન અને 170 સેન્ટિમીટર લંબાઈના સ્કાયવોટર ફ્લેક્સટ્યૂબ ટેલિસ્કોપની મદદથી લોકોને ગુરુ, મંગળ, શનિ અને શુક્ર જેવાં ગ્રહો તેમજ ઓરિઓન અને ટ્રિફિડ નિહારિકાઓ જેવાં દૂરસુદૂરના અવકાશી પદાર્થો, તારાઓના સમૂહ તથા પિનવ્હિલ અને એન્ડ્રોમિડા જેવી આકાશગંગાઓનાં દર્શન અને અલભ્ય અનુભવ કરાવે છે.
જ્યારે વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર માત્ર છોકરાઓના રસનો વિષય ગણાતો હતો ત્યારે 20 વર્ષની વયે ખગોળશાસ્ત્રમાં રસ કેળવનારી સુસાન મુરાબાનાએ 2021થી સ્ટાર સફારીઓનું આયોજન શરૂ કર્યું છે. જોકે, માત્ર આના થકી જ પોતાના જોશ અને જ્ઞાનની વહેંચણી કરતા નથી. તેઓ બે રાત્રિના પ્રવાસ તેમજ નાઈરોબીની બહાના વિસાતારોમાં દર મહિને એક રાત્રિના માટે 136 પાઉન્ડ વસૂલે છે. આમાંથી મળતી આવકનો ઉપયોગ તેમણે 2014માં સ્થાપેલી સામાજિક સંસ્થા ‘ટ્રાવેલિંગ ટેલિસ્કોપ’ના ભંડોળ માટે કરે છે. આ સંસ્થા યુવા લોકો અને ખાસ કરીને છોકરીઓમાં વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રનો રસ જગાવવા અને અંતરિયાળ કોમ્યુનિટીઓને શિક્ષિત કરવા માટે સ્થપાઈ છે. ‘ટ્રાવેલિંગ ટેલિસ્કોપ’ થકી તેમણે 400,000 લોકોને રાત્રિ આકાશના આશ્ચર્યોનો અનુભવ કરાવ્યો હોવાનો અંદાજ છે. તેઓ સ્વચ્છ આકાશ સાથેની અંતરિયાળ વિસ્તારોના ગામોની શાળાઓને પ્રાધાન્ય આપે છે જેથી બાળકોને સારી તક મળી રહે.
મુરાબાના અને તેના ફોટાગ્રાફર પતિ ડેનિયલ ચુ ઓવેન દર બે મહિને તેમના ટેલિસ્કોપ અને ઈન્ફ્લેટેબલ પ્લેનેટોરિયમ સાથે ગ્રામીણ કોમ્યુનિટીઓમા પ્રવાસે નીકળી પડે છે. અહીં તેઓ 300 જેટલા બાળકોને ગ્રહો નિહાળવા અને નક્ષત્રોના ઝૂમખાંને નિહાળવા અને એસ્ટ્રોફીઝિક્સ (ખગોળ ભૌતિકશાસ્ત્ર)નાં પાયાનું જ્ઞાન મેળવવાની તક પૂરી પાડે છે. તેઓ કહે છે કે કેન્યામાં મોટા ભાગના બાળકોને ટેલિસ્કોપથી અથવા પ્લેનેટોરિયમની મુલાકાતથી આકાશદર્શનની તક મળતી નથી અને અમે આવા અનુભવો સાથે તેને બદલવાનો પ્રયાસ કરીએ છીએ. આ અનુભવો થકી વિશ્વ વિશે વિચારો અને કેન્યાની બહાર મળતી તક વિશે તેમના મંતવ્યો વિસ્તરે તેવી આશા અમે રાખીએ છીએ.’