દક્ષિણ આફ્રિકામાં વિરોધને પ્રગટ કરવા માટે કેટલાક યુવકોએ ગાંધીજીનાં સ્મારકને જ નિશાન બનાવ્યું હતું. જોહાનિસબર્ગમાં ગાંધીજીએ કાયદાની પ્રેક્ટિસ કરી હતી અને સ્થાનિક ભારતીયોને થતા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો ત્યાં જ ગાંધીની પ્રતિમા આવેલી છે. આ વિસ્તાર ગાંધીસ્ક્વેર તરીકે ઓળખાય છે. અહીં કેટલાક યુવકો હાથમાં પ્લેકાર્ડ લઈ આવ્યા અને રેસિસ્ટ ગાંધી મસ્ટ ફોલના નારા પોકારવા લાગ્યા હતા. તેમણે પોતાની સાથે લાવેલા સફેદ કલરને સ્મારક પર ફેંકી તેને તોડી નાખ્યું હતું. આ યુવકોએ માગ કરી હતી કે ગાંધી જાતિવાદી હતા તેથી તેમનાં સ્મારકને અહીંથી હટાવવામાં આવે. સ્થાનિક રહેવાસી ક્વેપે જણાવ્યું હતું કે જે યુવકોએ આ હુમલો કર્યો હતો તેમણે સત્તાપક્ષ આફ્રિકન નેશનલ કોંગ્રેસ(એએનસી)ની ટોપી પહેરી હતી. પોલીસ અધિકારી રેય મેખુબેલાએ જણાવ્યું હતું કે અમે હુમલા માટે જવાબદાર લોકો વિરુદ્ધ પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાના ગુના હેઠળ કાર્યવાહી કરીશું. આફ્રિકન નેશનલ કોંગ્રેસના પ્રવક્તાએ આ હુમલાને વખોડી કાઢયો હતો.