મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી, જાણીતા માનવઅધિકાર કાર્યકર્તા ઈલા ગાંધી અને અને મેવા રામગોબિનના દીકરી આશિષ લતા રામગોબિન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકામાં બે વેપારીઓ સાથે છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. ૪૫ વર્ષીય લતા ચોરી અને ફ્રોડના મામલે ૨૦મી ઓક્ટોબરે કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમને બે લાખ રૂપિયાના બોન્ડ પર ડરબન મેજિસ્ટ્રેટે જામીન પર મુક્ત કર્યા હતા. વ્યવસાયે બિઝનેસ વુમન આશિષ લતા પર આરોપ છે કે, તેમણે ખાનગી હોસ્પિટલ નેટગેર ગ્રૂપના નેટવર્ક માટે ભારતમાંથી બેડિંગની આયાત કરવાનું ટેન્ડર મળ્યું હોવાનું કહી બે સ્થાનિક વેપારીઓ સાથે ૮૩૧,૩૮૦ ડોલરની છેતરપિંડી કરી હતી.
કોણ છે આશિષ લતા રામગોબિન?
આશિષ લતા રામગોબિન જાણીતા માનવઅધિકારી કાર્યકર્તા ઈલા ગાંધી અને અને મેવા રામગોબિનના દીકરી છે. મહાત્મા ગાંધીના પરિવારજનોએ દક્ષિણ આફ્રિકામાં માનવઅધિકાર ક્ષેત્રે કામ કરીને ઘણી નામના મેળવી છે. ઇલા ગાંધી વિશેષરૂપે પોતાના પ્રયાસો માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાણીતા છે અને ભારત તરફથી તેમને રાષ્ટ્રીય સન્માન પણ પ્રાપ્ત છે.