લિબરેવિલેઃ આફ્રિકા ખંડના ગાબોન દેશના રાષ્ટ્રપતિએ પોતાની તમામ સંપત્તિ દાનમાં આપવાની જાહેરાત કરી છે. દેશના ૫૫મા સ્વાતંત્ર્ય દિને અલી બોંગોએ રાષ્ટ્રજોગ સંબોધનમાં આ જાહેરાત કરી છે. બોંગો ૨૦૦૯માં પોતાના પિતા ઓમાર બોંગોના નિધન પછી ગાબોનના રાષ્ટ્રપતિ બન્યા હતા.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, હું પોતાના પિતાના સન્માનમાં આ દાન કરી રહ્યો છું. પિતા પાસેથી વારસામાં મળેલું ભંડોળ યુવા અને શિક્ષણ સાથે સંબંધિત ફાઉન્ડેશનને અપાશે. કારણ કે, પિતાની નજરમાં યુવા પવિત્ર હતા. ઓમાર બોંગોના તમામ વારસદારો પણ રાજધાની લિબરેવિલેમાં તેમના વિશાળ વિલાને સરકારને દાનમાં આપવા માટે તૈયાર થઈ ગયા છે. અહીં યુનિવર્સિટીની સ્થાપના થશે.
રાષ્ટ્રપતિ બોંગોએ જણાવ્યું કે, ફ્રાન્સની રાજધાની પેરિસમાં બોંગો પરિવારની બે મોટી હોટેલ છે. આ હોટેલો ગાબોન સરકારને સોંપાશે. આ હોટેલોનો ઉપયોગ સાંસ્કૃતિક અને રાજદ્વારી કાર્યક્રમો માટે થશે. માનવામાં આવે છે કે બોંગો પરિવારના અબજો ડોલર્સ વિદેશી બેંકોમાં જમા છે. એ ઉપરાંત રિયલ એસ્ટેટ અને ગાબોનના મોટો ઉદ્યોગોમાં પણ તેમનો હિસ્સો છે.