કમ્પાલાઃ યુગાન્ડા સહિતના આફ્રિકન દેશોમાં બાળલગ્નોની સમસ્યા વકરેલી છે. યુગાન્ડાના પશ્ચિમ ક્ષેત્રના કાઝો પ્રોવિન્સના આંકોલેમાં માતાપિતા તેમની છોકરીઓનાં લગ્ન 14થી 17 વર્ષની નાની વયે કરાવી દે છે. છોકરીઓના બદલામાં ગાય- બકરી અને નાણા મેળવાય તે સામાન્ય બની ગયું છે.
કાઝોના પ્રિન્સિપાલ પ્રોબેશન અને સોશિયલ વેલ્ફેર ઓફિસર પોલી મુહવેઝીએ બાળલગ્નોથી છોકરીઓની ભાવિ યોજનાઓ પર અસર અને તેમના આરોગ્યની બાબતે ચિંતા વ્યક્ત કરી છે. સામાન્ય રીતે નાની છોકરીઓના લગ્ન કરાવવાના હોય ત્યારે તેના પેરન્ટ્સ દ્વારા 10થી 12 ગાય અથવા બકરીઓ અને 2થી 4 મિલિયન શિલિંગ્સ જેવી ચોક્કસ રકમ લેવાય છે. છોકરીઓને સંપત્તિના સ્રોત તરીકે માનવામાં આવે છે. એમ પણ મનાય છે કે છોકરીઓ લગ્ન વિના બાળકોને જન્મ ન આપે તે માટે તેમના વહેલા લગ્ન કરાવી દેવા જોઈએ. છોકરીઓની વાસ્તવિક ઉંમર છુપાવી રખાય છે જેથી લગ્નમાં વાંધો ન આવે. 20 વર્ષની દેખાતી છોકરીની સાચી ઉંમર 17ની પણ હોઈ શકે છે.
કોવિડ-19 મહામારીના કારણે માર્ચ 2020થી જૂન 2021ના ગાળામાં લોકડાઉન્સ હતા ત્યારે શાળાઓ બંધ રખાવાના પરિણામે બાળલગ્નોમાં ઉછાળો આવ્યો હતો. 2020ની પ્રાઈમરી લીવિંગ એક્ઝામિનેશન (PLE)માટે કાઝો ડિસ્ટ્રિક્ટમાં 2,229 વિદ્યાર્થી નોંધાયેલા હતા જેમાંથી 54 બાળાએ પરીક્ષા આપી ન હતી કારણકે કેટલાકના લગ્ન કરી દેવાયાં હતાં અને ઘણા લગ્ન બાળાઓની મરજી વિરુદ્ધના હતા. ઘણી વખત છોકરીઓને ઘેર જતાં રસ્તામાંથી ઉછાવી જવાય છે અને તેના પેરન્ટ્સને લગ્નમાં ગાય, બકરી અને નાણાની ઓફર કરવામાં આવે છે.