જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ નાયબ નાણાં પ્રધાન મેકેબીસી જોનાસે તપાસ ટીમને જણાવ્યું હતું કે ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝુમાના બિઝનેસના મિત્રોએ તેમને મારી નાખવાની ધમકી આપી હતી. એક મિટિંગમાં તેમણે નાણાંની અને નાણાં પ્રધાન પદની ઓફર કરી હતી, તેના વિશે કશું ન બોલવાની ચેતવણી સાથે આ ધમકી આપી હતી.
સોમવારે શરૂ થયેલી આ જાહેર તપાસનું ટેલિવિઝન પર જીવંત પ્રસારણ થયું હતું. સાઉથ આફ્રિકામાં મોટું બિઝનેસ જૂથ ધરાવતા ગુપ્તા બંધુઓએ રાજકીય નિમણુંકો અને સરકારી કોન્ટ્રાક્ટ્સ મેળવવા ઝુમા પર બિનજરૂરી વગનો ઉપયોગ કર્યો હતો તેવા આક્ષેપોની તપાસ કરવામાં આવી રહી છે.
ઝુમાએ જણાવ્યું હતું કે ત્રણ ગુપ્તા બંધુઓ – અતુલ, અજય અને રાજેશ – તેમના મિત્ર છે. પરંતુ, તેમના સંબંધનો ઉપયોગ કર્યો હોવાનો ઈન્કાર કર્યો હતો. ગુપ્તા બંધુઓએ પણ કશું ખોટું ન કર્યું હોવાનું જણાવ્યું હતું.
ત્રણેય ભાઈઓ તેમજ તેમના વકીલોનો પત્તો નથી. જોનાસે કરેલી ટિપ્પણી પર પ્રતિભાવ જાણવા માટે તેમની કંપનીઓના અધિકારીઓ તેમજ તેમના પરિવારના પ્રતિનિધિઓનો પણ સંપર્ક સાધી શકાયો ન હતો.
ડેપ્યુટી ચીફ જસ્ટિસ રેમન્ડ ઝોંડોના નેતૃત્વ હેઠળની આ તપાસ ઝુમાના વહીવટી તંત્ર દ્વારા કથિત લાગવગ વિશેના પબ્લિક પ્રોસિક્યુટર અને સાઉથ આફ્રિકાની ભ્રષ્ટાચાર વિરોધી મુખ્ય સત્તા દ્વારા ૨૦૧૬ના રિપોર્ટમાં કરાયેલી ભલામણને આધારે ચાલી રહી છે. માં
આ રિપોર્ટમાં ગુપ્તા બંધુઓએ આચરેલા ગુનાનું તારણ કરવાનું ટૂંકાવી દીધું હતું. પરંતુ, તેમણે પ્રધાનોની નિમણુંકોમાં વગ વાપરી હોવાના આક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ગુપ્તા બંધુઓએ જોનાસને નાણાં પ્રધાન પદની ઓફર કરી હતી અને ઝુમાએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ગુપ્તા બંધુઓને ટેન્ડરો આપવા સરકારી કંપનીઓને આદેશ કર્યો હતો તેવા આક્ષેપો હતા.
૨૦૧૬નો રિપોર્ટ અને ઝુમાએ નવ વર્ષના શાસન દરમિયાન કરેલા કૌભાંડોને લીધે તેમને ફેબ્રુઆરીમાં સત્તા છોડવી પડી હતી.
ઝુમાના સમયમાં ભ્રષ્ટાચારની જાહેરમાં ટીકા કરનારા જોનાસે તપાસમાં જણાવ્યું હતું કે તેઓ ઝુમાના પુત્ર ડુડુઝેનને મળ્યા હતા. તેણે ઓક્ટોબર ૨૦૧૫માં ગુપ્તા બંધુઓ સાથેની બેઠકમાં હાજર રહેવા તેમને જણાવ્યું હતું.
તેમાંના એક ભાઈએ તેમને જણાવ્યું હતું કે ઝુમા નાણાં પ્રધાન ન્હાલાન્હાલા નેનેને હટાવી દેવાના હતા કારણ કે તે (નેને) ગુપ્તા બંધુઓ સાથે કામ કરી શકતા ન હતા. ગુપ્તા બંધુઓએ જોનાસને નાણાં પ્રધાન બનાવવાની ઓફર કરી હતી. ગુપ્તા બંધુને ટાંકીને જોનાસે જણાવ્યું હતું,‘ તમારે સમજી જ લેવું જોઈએ કે બધું અમારા કાબૂમાં છે..અને તે વૃદ્ધ
માણસ (ઝુમા) અમે જે કહીશું તે કરશે.’