કેપટાઉનઃ સાઉથ આફ્રિકાએ પ્રમુખ જેકોબ ઝૂમાના શાસનકાળમાં સરકારી સંપત્તિઓની ઉચાપત કરવામાં મોટી ભૂમિકા ભજવનારા ગુપ્તાબંધુઓ- અતુલ અને રાજેશ ગુપ્તાનું પ્રત્યર્પણ કરવા યુનાઈટેડ આરબ અમિરાત (UAE)ને સત્તાવાર વિનંતી કરી છે. પ્રીટોરિયા અને યુએઈ વચ્ચે પ્રત્યર્પણ સંધિ છે. તપાસ શરૂ કરાયા પછી ગુપ્તાબંધુઓ 2018માં દુબઈ નાસી ગયા હતા. ફ્રોડ અને મની લોન્ડરિંગની શંકાએ જૂન મહિનામાં તેમની દુબઈ પોલીસે ધરપકડ કરી હતી.
ગુપ્તાબંધુએ પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમા સાથે સંબંધો કેળવ્યા હતા અને તેમની વગથી સરકારી કોન્ટ્રાક્ટ હાંસલ કરતા હતા તેમજ નિમણૂકો ઉપરાંત સરકારી સંપત્તિઓની ઊચાપત પણ કરતા હતા. તેમની આ કામગીરી દેશનો કબજો મેળવવા સમાન કૌભાંડ તરીકે વિવાદમાં આવી હતી. ઝૂમા સામે પણ તેમના 2009થી 2018ના શાસનકાળમાં સરકારી ફંડના દુરુપયોગ બદલ ખટલો ચાલી રહ્યો છે.
જસ્ટિસ મિનિસ્ટર રોનાલ્ડ રામોલાએ UAEની સેન્ટ્રલ ઓથોરિટીને પ્રત્યર્પણ વિનંતી સુપરત કરાયાને સમર્થન આપ્યું હતું. આ વિનંતી વર્ષો લાગી શકે તેવી પ્રત્યર્પણ પ્રક્રિયામાં પહેલું પગલું છે. સાઉથ આફ્રિકાનો કેસ એગ્રીકલ્ચરલ ફીઝિબિલિટી સ્ટડી સાથે સંકળાયેલા 25 મિલિયન રેન્ડ (1.5 મિલિયન ડોલર)ના કૌભાંડ પર આધારિત છે. જોકે, ગુપ્તા બિઝનેસ પરિવાર સામનો કરી રહ્યા છે તેવા આક્ષેપો સામે તે કાંઈ જ નથી. કથિત અભ્યાસ કૌભાંડનો કેસ સાઉથ આફ્રિકાની હાઈ કોર્ટમાં ચાલશે તેની સંભવિત તારીખ જાન્યુઆરી 2023માં હશે.