કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકન સરકારે જંગી સરકારી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કહેવાતા ગુપ્તાબંધુઓ- અતુલ અને રાજેશ ગુપ્તાના પ્રત્યર્પણની વિનંતી યુનાઈટેડ આરબ એમિરેટ્સ (UAE) દ્વારા નકારાઈ હોવાનું જાહેર કર્યું છે. સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાને સંડોવતા ભ્રષ્ટાચાર કૌભાંડના કેન્દ્રમાં રહેલા ગુપ્તાબંધુઓના પ્રત્યર્પણને યુએઈની કોર્ટે ફગાવી દીધી છે.
ગત જૂન મહિનામાં દુબઈમાં ધરપકડ કરાયેલા અતુલ અને રાજેશ ગુપ્તાના પ્રત્યર્પણને મંજૂરી નહિ આપવાના દુબઈ કોર્ટના નિર્ણયની જાણકારી સાઉથ આફ્રિકા સરકારને અપાઈ હોવાનું જસ્ટિસ મિનિસ્ટર રોનાલ્ડ લામોલાએ જણાવ્યું હતું. જસ્ટિસ મિનિસ્ટરે કહ્યું હતું કે દુબઈ કોર્ટમાં 13 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રત્યર્પણ સુનાવણી ચાલી હતી અને સાઉથ આફ્રિકાની વિનંતી ફગાવી દેવાતા ભારે આઘાત લાગ્યો છે. જસ્ટિસ મિનિસ્ટર લામોલાએ જણાવ્યું હતું કે અરજી ફગાવી દેવાના અપાયેલા કારણો સમજી શકાય તેવાં નથી.
ગુપ્તાબંધુઓ- અતુલ, રાજેશ અને અજય ભારતીય મૂળના બિઝનેસમેન છે અને તેમની સામે પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાના શાસનકાળ (2009-2018)માં તેમની સાથે મળીને સરકારી તિજોરીમાં લૂંટ ચલાવવાના આરોપ છે. સરકારી ભ્રષ્ટાચારની તપાસાર્થે 2018માં જસ્ટિસ રેમન્ડ ઝોન્ડોની આગેવાનીમાં કમિશન રચાયા પછી ગુપ્તાબંધુઓ દેશ છોડી નાસી છૂટ્યા હતા.
અતુલ અને રાજેશ ગુપ્તાની દુબઈમાં ધરપકડ કરાયાના પગલે સાઉથ આફ્રિકન સરકારે જુલાઈ મહિનામાં તેમના પ્રત્યર્પણની વિનંતી કરી હતી. ગુપ્તાબંધુઓ વિરુદ્ધ અનેક ચાર્જીસમાં એક 1.5 મિલિયન યુરો મૂલ્યના વિવાદિત સરકારી કોન્ટ્રાક્ટ હાંસલ કરવા સંદર્ભે આ પ્રત્યર્પણ વિનંતી કરાઈ હતી. દુબઈ કોર્ટને જણાયું હતું કે બે ભાઈઓ વિરુદ્ધ મનીલોન્ડરિંગના અપરાધો દુબઈ અને સાઉથ આફ્રિકા બંને દેશમાં કરાયા હોવાથી આ કેસમાં યુએઈનું અધિકારક્ષેત્ર પણ આવે છે. ફ્રોડ અને ભ્રષ્ટાચારના આરોપોમાં કોર્ટે એરેસ્ટ વોરન્ટ રદ કરવાનો આદેશ આપ્યો હતો.