નાઈરોબીઃ કેન્યાના એક સાંસદ ફાતુમા ગેદીને બુધવારે સંસદની ચાલુ કાર્યવાહીમાં સાંસદોને લોલીપોપ વહેંચવા બદલ સંસદમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગેદીએ જણાવ્યું હતું કે દિવસભર ચાલેલા સત્ર પછી સભ્યોનું સુગર લેવલ નીચું જતું રહ્યું હતું. કિહારુના સાંસદ ન્દિની ન્યોરોએ તેમના પર સંસદના ગૃહમાં લાંચ તરીકે નાણાં વહેંચવાનો આરોપ મૂક્યો હતો. શ્રી ન્યોરોને તેમના લાંચના આક્ષેપોને પૂરવાર કરવા માટે કહેવાયું હતું અને તેમ કરવામાં તેઓ નિષ્ફળ ગયા પછી તેમને બે દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
હંગામી સ્પીકર સોઇપન તુયાએ ચુકાદો આપ્યો હતો કે “માનનીય ન્યોરો, સ્ટેન્ડિંગ ઓર્ડર ૧૦૭ ના આધારે ગૃહને ગેરમાર્ગે દોર્યું છે. હું ન્યોરોને બે દિવસ માટે સંસદના પ્રિમાઈસીસમાંથી હટાવવાનો આદેશ આપું છું,"
શ્રીમતી ગેદીને સંસદમાં ખાદ્યપદાર્થોનું વિતરણ કરીને આચરણ અંગે ગૃહના નિયમોનો ભંગ કરવા બદલ એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સાંસદોએ આ વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા રાજકીય પક્ષો અંગેના કાયદામાં અનેક સુધારા પસાર કર્યા હતા.