અબુજાઃ યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર પ્રતિબંધોના કારણે યુરોપને ઓઈલ અને ગેસના મળતા પુરવઠામાં ભારે ઘટાડો નોંધાયો છે. હવે યુરોપિયન યુનિયને ગેસ પુરવઠામાં આપુર્તિ કરવા માટે નાઈજિરિયા તરફ નજર દોડાવી છે. નાઈજિરિયા તેના માટે લિક્વિફાઈડ નેચરલ ગેસના પ્રથમ આફ્રિકન સપ્લાયર બની રહે તે માટે ઈયુએ સંવનન શરૂ કર્યું છે અને યુરોપના મુખ્ય દેશોના રાજદૂતોએ નાઈજિરિયન નેશનલ પેટ્રેલિયન કંપની (NNPC)ના મેનેજમેન્ટ સાથે મુલાકાત યોજી હતી.
યુરોપ રશિયન ગેસ પર પોતાનો આધાર ઘટાડવા પ્રયાસો કરી રહ્યું છે ત્યારે નાઈજિરિયા માટેના ઈયુ એમ્બેસેડર સેમ્યુઅલ ઈસોપીની સાથે ફ્રાન્સ, ઈટાલી, પોર્ટુગલ અને સ્પેનના રાજદૂતોએ સોમવાર 11 એપ્રિલે NNPCના વડા મથકની મુલાકાત લઈ કંપનીના મેનેજમેન્ટ સાથે મંત્રણા શરૂ કરી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ અને કતાર પછી રશિયા 2021માં યુરોપનું ત્રીજા ક્રમનુંલિક્વિફાઈડ નેચરલ ગેસનું સપ્લાયર હતું. યુરોપિયન એમ્બેસેડર્સ આફ્રિકાના મહત્ત્વના અર્થતંત્ર સાથે એનર્જી સેક્ટરમાં સહકારને મજબૂત બનાવવા માગે છે.
NNPCના પ્રવક્તાએ નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટરે યુરોપિયન ડેલિગેશનને નાઈજિરિયામાં ઈયુ કંપનીઓ સાથે સંબંધ મજબૂત બનાવવા ખાતરી આપી હતી. કંપની વિશ્વબજારમાં ગેસ પુરવઠો વધારવા માટે કામ કરવા ઈચ્છે છે.
દરમિયાન, ઈટાલીએ નેચરલ ગેસની આયાત વધારવા અલ્જિરિયા સાથે સોદો કર્યો છે. ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા પછી યુરોપ રશિયન એનર્જી પરનો આધાર ઘટાડવા વિવિધ આફ્રિકન પાર્ટનર્સ તરફ વળ્યા છે. નાઈજિરિયા અને અલ્જિરિયા લિક્વિફાઈડ નેચરલ ગેસના સૌથી મોટા આફ્રિકન સપ્લાયર છે.