નાઈરોબીઃ રાંધણગેસમાં વૈશ્વિક ભાવવધારાની અસર કેન્યાના સામાન્ય પરિવારોને પણ નડી રહી છે. રાંધણગેસના સિલિન્ડર ખરીદવાનું નહિ પોસાતા ઘણા કેન્યન પરિવારો કોલસો મેળવવા જંગલોનો સહારો લઈ રહ્યા છે. જંગલોમાં લાકડામાંથી કોલસો મેળવવો સસ્તો પડે છે પરંતુ, તેનાથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચે છે.
કેન્યામાં રાંધણગેસના ભાવ સતત વધતા રહેવાથી ગ્રામીણ ઘરો, ટાઉન્સ અને શહેરોમાં લોકો કોલસાના સસ્તા વિકલ્પ તરફ વળ્યા છે. મોટા ગેસ સિલિન્ડના બદલે નાના સિલિન્ડર વાપરવા છતાં પોસાતું ન હોવાથી કોલસાનો ઉપયોગ વધ્યો છે. જોકે, કોલસાની માગ વધવા સાથે તેના ભાવ પણ 400 કેન્યન શિલિંગ્સથી વધીને 700 શિલિંગ્સ પહોંચ્યા છે છતાં, રાંધણગેસની સરખામણીએ ભાવ સસ્તો છે. હાલ 12 કિલો અને 6 કિલોના ગેસ સિલિન્ડરનો ભાવ અનુક્રમે 3000 કેન્યન શિલિંગ્સ (25.44 USD) અને 1600 કેન્યન શિલિંગ્સ (13.57 USD) છે.
સબ-સહારન આફ્રિકામાં બાવળ જેવાં વૃક્ષો વ્યાપક પ્રમાણમાં મળે છે જેમાંથી ઉચ્ચ ગુણવત્તાનો કોલસો મેળવી શકાય છે અને બજારમાં તેની સારી કિંમત પણ મળે છે. સ્થાનિક લોકો સરકારી જંગલોમાં ગેરકાયદે ભઠ્ઠીઓ લગાવી કોલસો પાડે છે અને કમાણી કરે છે. હકીકત એ પણ છે કે કેન્યામાં કોલસાનું વેપારી વેચાણ દંડને પાત્ર છે. દુકાનમાં કોલસાનો સંગ્રહ કરી શકાતો નથી.