કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ અને શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC)ના નેતા સિરીલ રામફોસાએ સ્વિમિંગ પૂલ ખાતે હુમલો કરાયેલા અશ્વેત ટીનેજર્સને ગોરા લોકોથી નહિ ડરવાની સલાહ આપી છે. પ્રેસિડેન્ટે 8 જાન્યુઆરીએ માનગૌંગના ડો. પેટ્રસ મોલેમેલા સ્ટેડિયમ ખાતે ANC ની 111મી વર્ષગાંઠની ઉજવણી પ્રસંગે જરા પણ શબ્દો ચોર્યા વિના વ્હાઈટ વાયોલન્સની ઝાટકણી કાઢી હતી.
રિસોર્ટનો સ્વિમિંગ પૂલ માત્ર ગોરા લોકો માટે હોવાનો દાવો કરનારા ત્રણ શ્વેત પુરુષોએ બે અશ્વેત નાકેડી ભાઈઓ પર હુમલો કરી તેમને સ્વિમિંગ પૂલમાં પ્રવેશવા દીધા નહિ તેનો વીડિયો વાઈરલ થયો હોવાનો ઉલ્લેખ પણ પ્રમુખ રામફોસાએ કર્યો હતો. એક અશ્વેત ટીનેજરે હુમલાખોર શ્વેત પુરુષને માર્યો હતો તેની પ્રશંસા કરતા પ્રમુખે કહ્યું હતું કે ‘જે થયું તેનાથી તમારે હિંમત હારવી જોઈએ નહિ. રંગભેદની સિસ્ટમ સામે લડેલા આપણા વડવાઓની હિંમત તમારે રાખવી જોઈએ. તમે મજબૂત રહેજો અને ગોરા લોકોથી ડરશો નહિ.’
પ્રમુખ રામફોસાએ કહ્યું હતું કે ‘આપણા દેશમાં હજુ પણ રંગભેદની તરફેણ કરનારાને આપણે એટલું જ કહેવું છે કે અમે સાઉથ આફ્રિકામાં રેસિસ્ટ્સ ઈચ્છતા નથી. જો તમે રેસિસ્ટ માનસિકતાનું પાલન કરવા માગતા હો તો સાઉથ આફ્રિકા એવો દેશ નથી જે આ ચલાવી લેશે.’