એડિસ અબાબા, નાઈરોબીઃ કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ ઈથિયોપિયાની રાજધાની એડિસ અબાબા ખાતે 19 ફેબ્રુઆરીએ મળેલી એસેમ્બલી ઓફ આફ્રિકન યુનિયનની સામાન્ય સભામાં વિશ્વમાં વધતા ગ્લોબલ વોર્મિંગ માટે સમૃદ્ધ દેશોને જવાબદાર ઠરાવવાની અને ક્લાઈમેટ ચેન્જ સામે બહેતર લડાઈ માટે આંતરરાષ્ટ્રીય નાણાસંસ્થાઓમાં ધરમૂળ ફેરફારની હાકલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે ગરીબ દેશો અને ખાસ કરીને આફ્રિકન દેશોને ક્લાઈમેટ ચેન્જના પરિણામોની ઘણી ખરાબ અસર થઈ છે. રુટોએ કહ્યું હતું કે આપણે એવા બિંદુએ છીએ જ્યાં આપણી સમક્ષ કોઈ વિકલ્પો નથી. સમૃદ્ધ દેશો અને નાણાસંસ્થાઓએ ક્લાઈમેટ મંત્રણાઓમાં આફ્રિકાને ભિખારી તરીકે નહિ પરંતુ, એક અસ્ક્યામત તરીકે ગણવાનું શરૂ કરવું જોઈએ. આપણે એઅક એવી સિસ્ટમ જોઈએ જે જવાબદેહ હોય, વિશ્વને પ્રદુષિત કરનારાને જવાબદાર ઠરાવે. જો તેમને જવાબદાર ન ઠરાવાય તો તે ભ્રષ્ટાચાર જ ગણાશે.