નવીદિલ્હી: ચીનના પ્રમુખ શિ જિનપિંગના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વન બેલ્ટ વન રોડને આફ્રિકન દેશોએ આંચકો આપ્યો છે. આફ્રિકાના ઘણાં દેશોએ ચીની કંપનીઓની નબળી કામગીરીનો મુદ્દો ઉઠાવીને પ્રોજેક્ટ રદ્ કર્યો છે. આફ્રિકન દેશોને મોડે મોડે સમજાયું છે કે ચીન કરજ આપીને ગુલામ બનાવવા માગે છે.
ચીને વન બેલ્ટ વન રોડ એટલે કે બેલ્ટ એન્ડ રોડ ઈનિશ્યિએટિવ પ્રોજેક્ટના નામે વિસ્તારવાદની નીતિ અમલી બનાવી છે. આફ્રિકા અને એશિયાના ગરીબ દેશોને લોન આપીને ચીન તે દેશોમાં બાંધકામ કરી રહ્યું છે, પરંતુ હવે ચીનનું ષડયંત્ર ઘણાં દેશોને સમજાવા લાગ્યું છે.
આફ્રિકાના દેશોએ નબળી કામગીરીનો હવાલો આપીને આ પ્રોજેક્ટ બંધ કરાવ્યો છે. આફ્રિકન દેશ ઘાનાએ થોડા દિવસ પહેલાં જ બેજિંગ ટ્રાફિક એન્ડ લાઈટિંગ ટેક કંપનીનો કોન્ટ્રાક્ટ રદ્ કરી દીધો. એ પહેલાં કોંગોએ પણ માઈનિંગ પ્રોજેક્ટ અટકાવી દીધો હતો. કેન્યાએ ૩.૨ બિલિયન ડોલરની ડીલ રદ્ કરી દીધી હતી.
ચીને આફ્રિકન દેશોમાં ૨૦૨૦માં જ જંગી રકમનું રોકાણ કર્યું હતું. એ બહાને ચીન આફ્રિકન દેશોમાં પગપેસારો કરવા ઈચ્છે છે. ખનીજ, ઓઈલ, ગેસ વગેરે ક્ષેત્રોમાં ચીની કંપનીઓ આ દેશોમાં રોકાણ
કરી રહી છે. ચીની કંપનીઓએ નાઈજિરિયાને ત્રણ અબજ ડોલરનું ફંડ આપ્યું છે.