અક્રા, લંડનઃ ઐતિહાસિક લોન ડીલના ભાગરૂપે બ્રિટન 150 વર્ષ અગાઉ સંસ્થાનવાદી શાસનમાં ઘાનામાંથી ચોરાયેલા/ લૂંટાયેલા સુવર્ણ મુગટ સહિતના રાજચિહ્નો પરત કરશે. લંડનના વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ અને બ્રિટિશ મ્યુઝિયમમાં રખાયેલા આ 32 રાજચિહ્નો 19મી સદીના એંગ્લો- અસાન્ટે યુદ્ધો પછી કુમાસીમાંથી ચોરાયા / લૂંટાયા હતા જેમાં, સોનાની પીસ પાઈપ,રાજવી તલવારનો સમાવેશ થાય છે. ઘાનાના શહેર કુમાસીના માનહીયા પેલેસ મ્યુઝિયમને આ રાજચિહ્નો લોન તરીકે અપાનાર છે.
અસાન્ટે લોકો માટે આ સામાન સાંસ્કૃતિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. અસાન્ટે કિંગ ઓટોમ્ફુઓ ઓસેઈ ટુટુ દ્વિતીય કિંગ ચાર્લ્સની તાજપોશીમાં હાજર રહ્યા હતા તે પછી બંને દેશોના મ્યુઝિયમ્સ વચ્ચે આ ભાગીદારી થઈ છે. બ્રિટન સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન સંસ્થાનોમાંથી ઐતિહાસિક અને અમૂલ્ય સ્થાપત્યો અને ચીજવસ્તુઓ ચોરાઈ હતી તેને પરત કરવા મુદ્દે સંખ્યાબંધ વિવાદોમાં ઘેરાયેલું છે.
ભારત પણ બ્રિટિશ રાજવીના ક્રાઉનમાં રહેલો કોહીનૂર હીરા સહિત બ્રિટિશ મ્યુઝિયમોમાં રખાયેલા ઐતિહાસિક વારસાની મૂલ્યવાન વસ્તુઓ પરત કરવા ઘણા લાંબા સમયથી માગ કરી રહેલ છે. ઉલ્લેખનીય છે કે યુકેના કેટલાક નેશનલ મ્યુઝિયમને તેમની પાસે રહેલી મૂલ્યવાન વસ્તુઓ પરત કરવાની પરવાનગી નથી. લોન ડીલ્સ દ્વારા મૂલ્યવાન વસ્તુઓ તેમના ઉદ્દભવસ્થાન એવા દેશમાં મોકલવામાં આવે છે. જોકે કેટલાક દેશોનો દાવો છે કે લોન ડીલ્સનો સ્વીકાર કરવાથી એવો અર્થ નીકળશે કે તેઓ આ વસ્તુઓ પર બ્રિટિશ માલિકીનો સ્વીકાર કરે છે.