અક્રાઃ લોકો અનેક પ્રકારે પોતાની કુશળતા દર્શાવીને નામ અને પ્રતિષ્ઠા પામવા કોશિશ કરતા રહે છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવે તે બહું મોટું સન્માન ગણાય છે. ઘાનાની આફુઆ અસાન્ટેવા ઓડોનોમે સતત 126 કલાક ગાવાનો નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જે અગાઉ ભારતીય સુનિલ વાઘમારેએ 2012માં સતત 105 કલાક ગાઈને સિંગ-એ-થોન (સિંગિંગ મેરેથોન) વિક્રમ રચ્યો હતો. આફુઆએ 24 ડિસેમ્બરના રોજ નવો રેકોર્ડ બનાવવાં ગાવાની શરૂઆત કરી હતી, જે ખરેખર 29 ડિસેમ્બર બપોરના 12 વાગ્યા સુધી ગાવા તૈયાર હતી. જોકે, તેની મેડિકલ સપોર્ટ ટીમે શરીર વધુ તણાવ લઈ શકે તેમ ન હોવાનું જણાવતા સવારે 7.00 વાગ્યે આ પ્રયાસ પૂર્ણ કર્યો હતો. જોકે, ગિનેસ વર્લ્ડ રેકોર્ડે તેના દાવાની સત્યતા ચકાસવા અને પુરાવાઓ લેવાના બાકી હોવાના કારણસર હજુ તેને માન્યતા આપી નથી.
આફુઆએ અક્વાબા ગામે ઘાનાના ગીતો ગાઈને નવો વિક્રમ સર્જ્યો હતો જ્યાં, દેશના ટોચના સંગીતકારો અને ઘાનાના વાઈસ પ્રેસિડેન્ટ મહામુદુ બાવુમિઆ સહિતના નેતાઓ તેને સપોર્ટ કરવા ઉપસ્થિત રહ્યા હતા. સતત ગાવાના પ્રયાસની સફળતા અંગે બે સંતાનોની માતા આફુઆ જણાવ્યું હતું કે પાંચ દિવસ સતત ગાવાનું તેનું સ્વપ્ન સાકાર થયું છે. આફુઆએ ગાવાનું બંધ કર્યા પછી ખાસ ઘાના આવેલા વર્તમાન રેકોર્ડ હોલ્ડર સુનિલ વાઘમારેએ નવો વિક્રમ સર્જવા બદલ તેને અંગત અભિનંદન પાઠવ્યા હતા. ઘાનાવાસીઓ માટે સિંગેથોન 2023થી ક્રિસમસનો તહેવાર યાદગાર અનુભવ બની ગયો હતો.