એકા: ઘાનાની ડીજે સ્વિચ નામથી પ્રખ્યાત દસ વર્ષીય એરિકાને તાજેતરમાં એન્યુઅલ ડીજે એવોર્ડ્સમાં યંગેસ્ટ ડીજેનો એવોર્ડ મળ્યો હતો. તે બીબીસીના શો વોટ્સ ન્યૂમાં પણ જોવા મળી હતી. આ શોમાં પોતપોતના ક્ષેત્રમાં નામ કમાયેલા યુવા આફ્રિકનોની જિંદગી દર્શાવાય છે. નાની ઉંમરે મોટી સિદ્ધિ છતાં એરિકા સામાન્ય બાળકોની જેમ જ રહે છે. તેને સ્કૂલે જવું, ડાન્સ કરવો, પિયાનો અને ટ્રંપેટ વગાડતાં શીખવું ગમે છે. એરિકાએ તાજેતરમાં એક મ્યુઝિક વીડિયો 'ડિસીવર' લોન્ચ કર્યો હતો, જેમાં તેની માતાએ પણ પર્ફોર્મ કર્યું છે. ગત વર્ષે તે ટેલેન્ટેડ કિડ્સ શોની પણ વિનર રહી હતી અને વેજા શહેરની એક ટેલેન્ટ સ્કૂલમાંથી સંગીત પણ શીખી રહી છે. તેમ છતાં એરિકા મોટી થઇને ગાયનેકોલોજિસ્ટ બનવાની ઇચ્છા ધરાવે છે, કેમ કે તેને યુવતીઓ અને મહિલાઓની મદદ કરવી ગમે છે. તેનું માનવું છે કે ગાયનેકોલોજિસ્ટ બનીને તે આ કામ સારી રીતે કરી શકશે.
ડીજે સ્વિચ નામ
તે કહે છે, મેં ડીજે તરીકે કરિયર એક વર્ષ અગાઉ શરૂ કરી હતી. આટલી જલદી લોકપ્રિય એટલે થઇ કે સ્કૂલમાં પણ કંઇ પણ ખૂબ જલદી શીખી લઉં છું. તેથી સંગીત શીખવામાં તકલીફ ન પડી. આમ પણ બાળકો મોટા લોકોની તુલનાએ બધું જલદી શીખે છે. કેટલાક લોકોને મારું નામ 'ડીજે સ્વિચ' વિચિત્ર લાગે છે. તેઓ પૂછે છે કે મેં આવું નામ કેમ પસંદ કર્યુંω મેં આ નામ એટલે પસંદ કર્યું છે કે હું લોકોની ખુશીઓમાં સામેલ થઇ જાઉં છું. તેથી લોકોની જિંદગી સાથે, તેમની ખુશીઓ સાથે જોડાતી ડીજેનું નામ ડીજે સ્વિચ ન હોય તો શું હોય?