નાઈરોબીઃ કેન્યાના 1000થી વધુ વેપારીઓએ ચાઈનીઝ ટ્રેડર્સ વિરુદ્ધ મંગળવાર 28 ફેબ્રુઆરીએ દેખાવો કર્યા હતા. કેન્યામાં ચાઈના સ્ક્વેર રીટેઈલ આઉટલેટ શરૂ કરાયો છે જેની કિંમતો સ્થાનિક વેપારીઓ દ્વારા લેવાતી કિંમતો કરતા સરેરાશ 45 ટકા ઓછી છે. સ્થાનિક વેપારીઓ સરઘસાકારે ડેપ્યુટી પ્રેસિડેન્ટની ઓફિસ અને પાર્લામેન્ટ સુધી કૂચ કરી ગયા હતા અને ચાઈનીઝ રીટેઈલર્સ વિરુદ્ધ પીટિશન સુપરત કરી હતી.
દેખાવકારોએ ‘ચાઈનીઝ ઈમ્પોર્ટર્સ, રીટેઈલર્સ, હોલસેલર્સ અને હોકર્સ તરીકે કામ કરી શકે નહિ’ તેમજ ‘ચાઈનીઝ ચાલ્યા જાવ’ના સૂત્રો પોકાર્યા હતા. કેન્યાના ટ્રેડ મિનિસ્ટર મોસીસ કુરીઆએ ચાઈના સ્ક્વેરની લીઝ તેના માલિકો પાસેથી લઈ સ્થાનિક વેપારીઓને સુપરત કરવા ઓફર કરી હતી. જોકે, વિદેશ વિભાગના સેક્રેટરીએ કહ્યું હતું કે નાગરિકતાને ધ્યાનમાં લીધા વિના તમામ ઈન્વેસ્ટર્સ આવકાર્ય છે. ચીન આફ્રિકાનું મોટું ટ્રેડિંગ પાર્ટનર છે અને એક મિલિયનથી વધુ ચાઈનીઝ લોકો આ ખંડમાં વસે છે. પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ ગત ચૂંટણીમાં ચીન સાથેના સરકારી કોન્ટ્રાક્ટ્સ જાહેર કરવા અને દેશમાં ગેરકાયદે કામ કરતા ચીની નાગરિકોને દેશપાર કરવાની ખાતરી ઉચ્ચારી હતી.