નાઈરોબીઃ કેન્યાની રાજધાનીથી આશરે 300 કિલોમીટર પશ્ચિમે આવેલા ન્યામાચે ટાઉનમાં પ્રાઈમરી સ્કૂલના બાળકોને સેક્સ કરવાનો દેખાવ કરવાની સજા આપનારી પાંચ શિક્ષિકા અને એક પુરુષ શિક્ષકની ધરપકડ પછી તેમને ગુરુવાર બીજી ફેબ્રુઆરીએ સસ્પેન્ડ કરાયા છે. બાળકોને અપાયેલી વિચિત્ર સજાનો 29 સેકન્ડનો વીડિયો વાઈરલ થવાના કારણે દેશભરમાં શિક્ષકો સામે રોષ વ્યાપી ગયો હતો.
29 સેકન્ડના વાઈરલ વીડિયોમાં સ્કૂલયાર્ડમાં એક વૃક્ષ નીચે યુનિફોર્મમાં ચાર બાળકો સેક્સ માણતા હોય તેમ દેખાય છે અને તેમના શિક્ષકો ઉભા રહીને વાતોમાં પરોવાયેલા છે. શર્ટ નહિ પહેરેલો એક બાળક આંખનાં આંસુ લૂછી રહ્યો છે ત્યારે શિક્ષકો હસતા જણાય છે. પોલીસે જણાવ્યું હતું કે બાળકોને અભદ્ર કાર્યમાં ખુલ્લા કરતા વીડિયોને ન્યામાચે ટાઉનની શાળામાં રેકોર્ડ કરાયો હતો. આ સંદર્ભે પાંચ શિક્ષિકા અને એક પુરુષ શિક્ષકની ધરપકડ કરાઈ હતી અને તેઓ તપાસમાં સહકાર આપી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વધુ સાત દિવસ તેમને અટકાયતમાં રાખવાના છે.
મોટા ભાગે રૂઢિચૂસ્ત ક્રિશ્ચિયન દેશમાં આ વીડિયોથી સોશિયલ નેટવર્ક્સ પર હોબાળો મચી ગયો હતો.
એજ્યુકેશન મિનિસ્ટર એઝેકિએલ માચોગુએ જણાવ્યું હતું કે આ શિક્ષકો સામે શિસ્તભંગના પગલાં લેવાશે અને જો તેઓ દોષિત સાબિત થશે તો નોકરીમાંથી બરતરફ કરાશે. કેન્યાના સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ હેઠળ અન્ય કોઈ વ્યક્તિને અશ્લીલ કાર્યમાં સાંકળવાની ફરજ પાડવામાં વ્યક્તિ દોષી સાબિત થાય તો તેને ઓછામાં ઓછાં પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે.
આ વીડિયોથી છ વિદ્યાર્થીઓ ‘શરમ, આઘાત, માનસિક અને સાઈકોલોજિકલ અત્યાચાર’ની લાગણી અનુભવી રહ્યા હોવાનું જણાવી ધ ટીચર્સ સર્વિસ કમિશન (TSC) દ્વારા છ શિક્ષકોને સસ્પેન્ડ કરાયા છે. TSCના અધિકારી ઈવલીન મિટેઈએ શિક્ષકોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે,‘તમે વિદ્યાર્થીઓને શાળાની અંદર જ સજાતીયતાનું પ્રતિનિધિત્વ કરતા અશ્લીલ/ અયોગ્ય કાર્ય કરવા બાળકોને આદેશ/ફરજ પાડી હતી.’