બાન્જુલાઃ ભારતીય બનાવટની ચાર પ્રકારની દવાઓથી ગત વર્ષે ગામ્બીઆમાં ઓછામાં ઓછાં 70 બાળકોના મોત થયાં હોવાનું પ્રેસિડેન્શિયલ ઈન્ક્વાયરી કમિશનના રિપોર્ટમાં બહાર આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર ભારતીય બનાવટના સિરપ્સમાં સામાન્યપણે એન્ટિફ્રીઝ તરીકે વપરાતાં ડાઈઈથિલીન ગ્લાયકોલ અને ઈથિલીન ગ્લાયકોલનું અસ્વીકૃત પ્રમાણ હતું. આ કેમિકલ્સ જીવલેણ બની શકે છે અને તેનાથી સંખ્યાબંધ બાળકોમાં કિડની નિષ્ફળ ગઈ હતી. ગામ્બીઆમાં આ કેસમાં ટ્રાયલ ઓક્ટોબરમાં શરૂ કરાવાની છે. પ્રદૂષિત કફ સિરપ્સના કારણે ગામ્બીઆ, ઈન્ડોનેશિયા અને ઉઝબેકિસ્તાનમાં કુલ 300 બાળકોનાં મોત નીપજ્યાં છે.
ગામ્બીઆએ ઓક્ટોબર 2022માં બાળકોનાં મોતના પગલે કફ અને શરદીની સિરપ સહિત અનેક દવાઓ તેમજ ભારતની મેઈડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ઉત્પાદિત તમામ પ્રોડક્ટ્સને બજારમાંથી પાછી ખેંચી લેવડાવી હતી. ઈન્ક્વાયરી કમિશને ઠરાવ્યું હતું કે આ દવાઓને આયાત કરાતાં પહેલાં મેડિસિન્સ કન્ટ્રોલ એજન્સી સાથે રજિસ્ટર્ડ કરાવાઈ ન હતી. કમિશને દેશમાં આયાત કરાતી તમામ મેડિસન્સના પરીક્ષણો માટે ક્વોલિટી કન્ટ્રોલ લેબોરેટરી સ્થાપવાની તાત્કાલિક જરૂર હોવાનું પણ જણાવ્યું છે.
ગામ્બીઆના હેલ્થ મિનિસ્ટરે જણાવ્યું છે કે સરકાર વળતર પ્રાપ્ત કરવા માટે આ દવાઓ આવી હતી તે ભારતીય ફાર્માસ્યુટિકલ્સ લેબોરેટરી વિરુદ્ધ કાનૂની કાર્યવાહીનો માર્ગ ચકાસી રહી છે. હેલ્થ કૌભાંડ બહાર આવ્યાં પછી ઈરત સરકારે ઓક્ટોબર 2022માં જ ઉત્તર ભારતમાં આવેલી મેઈડન ફાર્માસ્યુટિકલ્સ ફેક્ટરી બંધ કરાવી દીધી હતી.