જ્હોનિસબર્ગ
ચીનમાં પરંપરાગત દવાઓની વધતી માગના કારણે શિકારીઓ આફ્રિકામાં ગેંડાથી માંડીને પેન્ગોલિનને અત્યારસુધી નિશાન બનાવી રહ્યાં હતાં પરંતુ હવે તેમના નિશાના પર આફ્રિકાના ગધેડા પણ આવી ગયાં છે. બુર્કિનાફાસોથી કેન્યા અને સાઉથ આફ્રિકામાં ગધેડાની વસતીમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે ગધેડીના દૂધમાંથી સાબુ અને ક્રીમનું ઉત્પાદન કરતાં ઉદ્યોગો મુશ્કેલીમાં મૂકાયાં છે. આફ્રિકાના ગધેડામાંથી મળતી વસ્તુઓ ચીનમાં 360 અમેરિકન ડોલર પ્રતિ કિલોના ભાવે વેચાય છે . ચીનમાં ગધેડાની ચામડી અને અન્ય અંગો મોકલવા માટે દક્ષિણ આફ્રિકામાં ગધેડાની કતલ વધી જતાં વસતીમાં મોટો ઘટાડો થયો છે. ચીની માને છે કે જેમ ગેંડાના શિંગડામાંથી બનતા ઉત્પાદનો આરોગ્યને લાભ કરાવે છે તેવી જ રીતે ગધેડાના ચામડાને ચોક્કસ રીતે ઉકાળીને ખાવામાં આવે તો શારીરિક શક્તિઓમાં વધારો થાય છે. ગધેડાના ચામડામાંથી બનતા જિલેટિનની ચીનના મધ્યમવર્ગમાં માગ વધી છે. ગેંડાના શિંગડામાંથી તૈયાર કરાતા ઉત્પાદનો જેવા જ આરોગ્ય લાભ ગધેડાના ચામડામાંથી તૈયાર થતા ઉત્પાદનોમાંથી મળતા હોવાનો દાવો ચીનમાં કરવામાં આવે છે.