લાગોસઃ નાઈજીરીયાની એક અદાલતે ગયા વર્ષે એક મર્ચન્ટ શીપનું અપહરણ કરવા બદલ ૧૦ ચાંચિયાઓને દરેકને બાર - બાર વર્ષની જેલની સજા કરી હતી. નેવી દ્વારા જણાવાયું હતું કે નવા ચાંચીયા પ્રવૃત્તિ વિરોધી કાયદા હેઠળ આ પ્રકારની આ બીજી અદાલતી કાર્યવાહી હતી. આ તમામ ચાંચિયા નાઇજીરિયન હતા. તેમને ૧૫મી મે ૨૦૨૦ ના રોજ ગુયાનાના અખાતમાંથી ચાઈનીઝ મર્ચન્ટ શીપ એચવી હેલું ફેંગનું અપહરણ કરવા બદલ ગુનેગાર ઠેરવાયા હતા. તે દિવસે નેવીએ ચીની વહાણ પરથી ૧૮ ક્રૂ મેમ્બરને બચાવ્યા હતા અને તેમને બંધક બનાવનારા ૧૦ લોકોની ધરપકડ કરી હતી. લૂંટફાટ માટે શીપના અપહરણના હુમલા ગુયાનાના અખાતમાં સામાન્ય બની ગયા છે. વર્ષ ૨૦૧૯માં નાઈજીરીયાએ આ નવા કાયદા હેઠળ પ્રથમ કાર્યવાહી કરી હતી. મેરીટાઈમ કિડનેપીંગના કિસ્સામાં ૯૫ ટકા ગુયાનાના અખાતમાં થાય છે. ગયા વર્ષે ૧૩૫ કિસ્સામાંથી ૧૩૦ ત્યાં થયા હતા.
આ અખાત સેનેગલથી અંગોલા સુધીનો છે. આવું કૃત્ય કરનારા લોકો મોટેભાગે નાઈજિરિયન ચાંચિયા હોય છે. લાગોસની ફેડરલ હાઇકોર્ટના જજે જણાવ્યું હતું કે તેમને કરવામાં આવેલી સજા અન્ય લોકોને દાખલો બેસાડવા માટે પણ છે. જેલ ઉપરાંત દરેકને ૨૫૦,૦૦૦ નૈરા એટલે કે ૬૧૦ ડોલરનો દંડ પણ કરાયો હતો નાઈજિરિયન નેવીના પ્રવક્તા સુલેમાન દાહુને જણાવ્યું હતું કે આ ચુકાદો નવા ચાંચીયા પ્રવૃત્તિ વિરોધી કાયદાનો ખૂબ મોટો વિજય છે.