નાયરોબી
સેન્ટ્રલ બેન્ક ઓફ કેન્યાએ ચીપર કેશ અને ફ્લટરવેવની દેશમાં કામગીરી પર પ્રતિબંધ લાદી તમામ ફાઇનાન્સ સંસ્થાનોને આ બંને ફિનટેક કંપનીઓ સાથેના વ્યવહારો સ્થગિત કરવાનો આદેશ આપ્યો છે. સેન્ટ્રલ બેન્ક ઓફ કેન્યાના સુપરવિઝન ડેપ્યુટી ડિરેક્ટર માતુ મુગોએ તમામ રેગ્યુલેટેડ બેન્ક, માઇક્રોફાઇનાન્સ અને મોર્ટગેજ ફાઇનાન્સ સંસ્થાનોને તાત્કાલિક અસરથી ચીપર કેશ અને ફ્લટરવેવ સાથેની ભાગીદારી અટકાવવા નિર્દેશ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આફ્રિકા ખંડના સૌથી વધુ વેલ્યૂ ધરાવતા સ્ટાર્ટઅપમાં સામેલ એવા આ બે સ્ટાર્ટઅપ કેન્યામાં કામગીરી માટે લાયસન્સ ધરાવતા નથી. સેન્ટ્રલ બેન્ક ઓફ કેન્યાના ગવર્નર પેટ્રિક જોરોગેની ટિપ્પણી બાદ તમામ સીઇઓને પાઠવાયેલા પત્રમાં જણાવવામાં આવ્યુ છે કે આ બંને સ્ટાર્ટઅપને કેન્યામાં પેમેન્ટ સર્વિસ માટે લાયસન્સ અપાયાં નથી. કેન્યા આફ્રિકાના સૌથી મોટા ફિનટેક હબમાં સામેલ છે. મુગોએ પત્રમાં જણાવ્યું હતું કે, અમારા ધ્યાનમાં આવ્યું છે કે ફ્લટરવેવ પેમેન્ટ ટેકનોલોજી લિમિટેડ અને ચીપર ટેકનોલોજી કેન્યા લાયસન્સ પ્રાપ્ત કર્યા વિના જ રેમિટન્સ અને પેમેન્ટ સેવાઓ આપી રહી છે.
કેન્યામાં મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલી ફ્લટરવેવ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે 2019માં પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર લાયસન્સ માટે અરજી કરી હતી પરંતુ તે હજુ ઇશ્યૂ કરાયુ નથી તેથી કંપની કેન્યાની બેન્કો અને ટેલિકોમ કંપનીઓ સાથે ભાગીદારી કરીને કામ કરી રહી છે. ચીપર કેશ પણ ક્રોસ બોર્ડર પેમેન્ટ સેવાઓ આપતી કંપની છે અને હાલ નાઇજિરિયા, ઘાના, યુગાન્ડા, ટાન્ઝાનિયા, રવાન્ડા અને દક્ષિણ આફ્રિકામાં સેવાઓ આપે છે.