નાઈરોબીઃ જેમ ભારતમાં ચૂંટણી રેલીઓમાં ભાડૂતી ભીડ એકઠી કરવામાં આવે છે તેવી જ રીતે કેન્યામાં પણ 20 વર્ષીય યુવતી ડાયના મ્વાઝી આગામી પ્રમુખપદની ચૂંટણીમાં નાણા બનાવી લેવાની યોજના બનાવી રહી છે. ડાયના કેન્યાના રાજકારણમાં થોડું પ્રભુત્વ ઊભુ કરી શકી છે અને હવે તેનો લાભ રળી લેવાના પ્રયાસોમાં છે. તે બેરોજગાર લોકોને પૈસા આપીને રેલીઓમાં લઇ આવે છે અને કોઇપણ રાજકીય પાર્ટીને આ પ્રકારની સેવા આપવા તૈયાર છે.
મ્વાઝી કહે છે કે ચૂંટણીના કારણે હું ઘણી ઉત્સાહમાં છું કારણ કે રાજકીય પાર્ટીઓ રેલીઓમાં ભીડ ભેગી કરવા માટે મારો સંપર્ક કરી રહી છે. રેલીઓમાં ભીડ એકઠી કરવી અઘરી બાબત નથી. તેના માટ બેરોજગાર લોકો સરળતાથી ઉપલબ્ધ બને છે. રાજકારણીઓ જૂઠ્ઠા છે. ચૂંટણી સમયે તેઓ મેદાનમાં ઉતરી પડે છે, વચનોની ભરમાર આપે છે. તેઓ બેરોજગારોને નોકરીના વાયદા આપે છે પરંતુ ચૂંટણી જીતી ગયા પછી બધા વાયદા ભૂલી જાય છે.
ચૂંટણી આવતા જ ડાયનાનું કામ વધી જાય છે. તે આ કામમાં અન્ય ભીડ એકઠી કરનારાઓનો પણ સાથ લે છે. તે કહે છે કે એક રેલીમાં ભીડ મોકલીને મને 500 કેન્યા સિલિંગની આવક થઇ જાય છે. રાજકિય નેતાઓ તેમના પ્રતિસ્પર્ધીઓને બતાવવા માગ છે કે મારી પાસે વધુ સમર્થન છે. તેઓ રેલીઓમાં એકઠી થયેલી ભીડની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાનો સપોર્ટ વધારવાના પ્રયાસ કરે છે.