હરારેઃ એક બેનામી ડીલમાં ઝિમ્બાબ્વેના પ્રમુખ એમરસન મ્નન્ગગ્વાના નામનો ઉપયોગ કરાયો હતો. માઇનિંગ કેમિકલના આ નકલી ડીલમાં હરારેના એરસ્મુસ ચિમ્બુમુએ ૪૮૮,૦૦૦ ડોલર ગુમાવ્યા હતા. આ કેસમાં ૩૩ વર્ષીય શકમંદ મહિલા યુસ્ટિન ચારામ્બિરાને કોર્ટમાં હાજર કરાઈ હતી.
આ ડીલમાં પ્રમુખ મ્નન્ગગ્વા અને કેટલાંક આર્મી જનરલ સામેલ હોવાથી અને તેમને તેમના ભાગનો હિસ્સો જોઈતો હોવાથી તે ૧ મિલિયન ડોલર જમા કરાવે તે પછી જ ડિલીવરી આપી શકે તેમ હોવાનું ચારામ્બિરાએ ચિમ્બુમુને કહ્યું હોવાનો તેની પર આરોપ છે. આરોપી પર આવા આક્ષેપ આ પહેલી વખત થયા નથી.
ફરિયાદી માઈનિંગ કેમિકલ્સ ખરીદવા માગતો હોવાથી ઓક્ટોબરમાં તેણે ચારામ્બિરાનો સંપર્ક કર્યો હતો. તેના એક સપ્લાયર રાગુ સિવારાગાસે તેનો રેફરન્સ આપ્યો હતો. ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૦ દરમિયાન ફરિયાદીએ ચારામ્બિરાએ આપેલા જુદા જુદા એકાઉન્ટમાં ૫૦,૦૦૦ ડોલર જમા કરાવ્યા હતા. ચારામ્બિરાએ તેને જાન્યુઆરી ૨૦૨૧માં કેમિકલ્સ મળી જશે તેમ જણાવ્યું હતું. પરંતુ, કેમિકલ્સ ન મળતા તેણે બોરોવ્ડલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે પછીની કાર્યવાહીમાં આ બાબતો બહાર આવી હતી.