જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના મિનિસ્ટર ઓફ જસ્ટિસ એન્ડ કરેકશનલ સર્વિસ રોનાલ્ડ લેમોલાએ જણાવ્યું કે જમીનની માલિકીની અયોગ્ય અને અસમાન પદ્ધતિને સુધારવા માટે તેઓ વ્યાજબી રીતે જમીન પૂરી પાડવા અંગે કામ કરી રહ્યા છે. ભૂતકાળમાં થયેલા અન્યાયને સુધારવાના ઉકેલ તરીકે વળતર ચૂકવ્યા વિના દક્ષિણ આફ્રિકા સરકારને જમીન ખાલસા કરવા દેવા અંગેના એક પ્રયાસ તરીકે બંધારણમાં ફેરફાર અંગેના વિધેયકને સાંસદોએ નામંજૂર કર્યા બાદ તેમણે આ ટીપ્પણી કરી હતી
આ દેશના લોકોને ન્યાયી રીતે જમીન મળે તે માટે આપણે સાથે મળીને કામ કરીએ. દેશની મોટાભાગની જમીનની માલિકી શ્વેતો પાસે છે જ્યારે દેશની બહુમતી વસતિ અશ્વેતોની છે તે છતાં લઘુમતી જમીન તેમની માલિકીની નથી. આ અસમાનતાને સુધારવી જોઈએ અને તે બંધારણીય રીતે જ થવું જોઈએે
સરકારે જણાવ્યું કે તે જમીનની ફેરવહેંચણી માટે વૈકલ્પિક કાયદો લાવશે. જોકે, આ સૂચિત કાયદો ૪૦૦ સભ્યોની સંસદમાં જરૂરી બે તૃતિયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. ૨૦૪ સભ્યોએ તરફેણમાં અને ૧૪૫ સભ્યોએ વિરુદ્ધમાં મત આપ્યો હતો.
ત્રણ સદીઓના કોલોનિયાલિઝમ અને રંગભેદ દરમિયાન અશ્વેત દક્ષિણ આફ્રિકનોની જમીનો છીનવી લેવાઈ હતી. શ્વેત લઘુમતીના શાસનનો ૧૯૯૪માં સત્તાવાર રીતે અંત આવ્યો હતો.
૧૯૯૪માં આફ્રિકન નેશનલ કોગ્રેસ (ANC) સત્તા પર આવી ત્યારે સરકારે દક્ષિણ આફ્રિકાના ૬૦,૦૦૦ કોમર્શિયલ ફાર્મ્સમાંથી ૩૦ ટકાની માલિકીની અશ્વેતોને પુનઃવહેંચણી કરવાનું વચન આપ્યું હતું.
પરંતુ, અત્યારે કુલ વસતિના આઠ ટકા જેટલાં હોવા છતાં શ્વેતો ૭૨ ટકા ફાર્મ્સની માલિકી ધરાવતા હોવાનું પ્રમુખ સીરિલ રામાફોસાએ આંકડા દર્શાવીને જણાવ્યું હતું.