નાઈરોબીઃ કેન્યા જાન્યુઆરી 2024થી દેશના તમામ મુલાકાતીઓ માટે તેમની નાગરિકતાને ધ્યાનમાં લીધા વિના વિઝાની જરૂરિયાતને રદ કરી રહ્યું હોવાની જાહેરાત પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ કરી છે જેના પરિણામે કેન્યા જવાનું થોડું સરળ બની જશે. કેન્યાના મુલાકાતીઓએ તેમના આગમન પહેલા ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન મેળવવાની જરૂરિયાત રહેશે.
કેન્યાની આઝાદીની 60મી વર્ષગાંઠની ઉજવણી કરવા 12 ડિસેમ્બરે નાઈરોબીમાં આયોજિત કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ રુટોએ જણાવ્યું હતું કે,‘વિશ્વના કોઈ પણ ખુણામાંથી આવનાર કોઈ પણ વ્યક્તિએ કેન્યામાં આવવા વિઝા માટે અરજી કરવાની જરૂરિયાતનો બોજો રહેશે નહિ. આના બદલે તમામ મુલાકાતીઓએ કેન્યાની મુલાકાત લેતા પહેલા ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન માટે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત રહેશે.
એલ્યુરિંગ આફ્રિકાના સીઈઓ સુનિત સંઘરાજકાના જણાવ્યા અનુસાર નવા ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશનની વિગતો જાહેર કરાવાની બાકી છે પરંતુ, તે પ્રક્રિયા હાલ, યુકે, યુએસ, અને કેનેડા દ્વારા કાર્યરત ETA સિસ્ટ્મ્સની સમકક્ષ હોવાની ધારણા છે. અરજી કરવામાં થોડી જ મિનિટો લાગશે અને તે સબમિટ કરાયા પછી થોડા સમયમાં જ ઈમેઈલ મારફત મંજૂરી મોકલી અપાશે. આફ્રિકા ખંડમાં મુક્ત અવરજવરને શક્ય બનાવવા આફ્રિકન યુનિયનના દેશો પ્રવાસ નિયંત્રણો નાબૂદ કરી ટુરિઝમને વેગ આપવુા સાથે તેમના અર્થતંત્રોને ઉત્તેજન આપવા પ્રયાસ કરી રહ્યા છે તે કેન્યાના નિર્ણયથી જોઈ શકાય છે. ગામ્બીઆ, બેનિન, અને સેશેલ્સે આફ્રિકન નાગરિકો માટે વિઝા નિયંત્રણો નાબૂદ કરેલા છે અને રવાન્ડા પણ તે માર્ગે આગળ વધી રહ્યું છે.
તાજેતરના વર્ષોમાં ડિજિટાઈઝ્ડ ઈમિગ્રેશન સિસ્ટમ્સ વધુ વ્યાપક બની છે તેમજ લાંબા વિલંબ પછી યુરોપિયન ટ્રાવેલ ઈન્ફોર્મેશન એન્ડ ઓથોરાઈઝેશન સિસ્ટમ (ETIAS) 2025ના સ્પ્રિંગમાં લોન્ચ કરાવાની શક્યતા છે.