કમ્પાલાઃ પશ્ચિમ જાપાનમાં પ્રિ ઓલિમ્પિક ટ્રેનિંગ દરમિયાન ગયા અઠવાડિયે ભાગી છૂટેલો યુગાન્ડાનો એથ્લેટ જુલિયસ સ્સેકિતોલેકો યુગાન્ડા પાછો ફર્યો હતો. ગયા બુધવારે યુગાન્ડાનો ૨૦ વર્ષીય વેઈટલિફ્ટર ટોકિયોમાં નરીતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે જાપાન આવ્યો પછી જાહેર થયેલા ઇન્ટરનેશનલ રેન્કિંગના ધારાધોરણો પ્રમાણે તે ક્વોલિફાય થયો નહોતો અને તેને યુગાન્ડા પાછો મોકલવાનો હતો.તે ઓસાકા પ્રિફેક્ચરમાં ઇઝુ મિસાનોમાં આવેલી હોટલમાંથી નાસી છુટ્યો હતો. રૂમમાં મૂકેલી ચિઠ્ઠીમાં તે પોતાના દેશ પાછો ફરવા માંગતો ન હોવાનું જણાવ્યું હતું.
ગયા મંગળવારે તે નાગોયાના દક્ષિણે ૪૦ કિ.મિ.દૂર યોક્કાઈચીમાં દેખાયો હતો. ત્યારે એક પોલીસ ઓફિસરે જોયો હતો અને તેને સુરક્ષાના કારણોસર કસ્ટડીમાં લીધો હતો. જાપાનના બ્રોડકાસ્ટર એન ટીવી એ બુધવારે એરપોર્ટ પાસે ફરતો હોવાના દ્રશ્યો રજૂ કર્યા હતા અને અહેવાલમાં જણાવ્યું હતું કે તે ફ્લાઈટમાં યુગાન્ડા પાછો ફરી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન તે વારેઘડીએ રડી પડતો હતો. ટોકિયો ગેમ્સમાં ભાગ લેનારા એથ્લેટ્સને તેમના ગેમ્સના સ્થળો અને આવાસ જેવા મર્યાદિત સંખ્યાના સ્થળોએ જવાની પરવાનગી છે. ઓલિમ્પિકની શરૂઆત પહેલા યુગાન્ડન એથ્લેટ ગુમ થવાના હિસાબે આ વૈશ્વિક રમતગમત મહોત્સવમાં સુરક્ષા વિશે પ્રશ્નો ઊભા થયા હતા.