કમ્પાલાઃ યુગાન્ડાના કટાક્ષ નવલકથા લેખક કાક્વેન્ઝા રુકિરાબાશાઈજુના વકીલોએ જણાવ્યું હતું કે કોર્ટે થોડા કલાકો પહેલા જ તેમના ક્લાયન્ટને છોડી મૂકવા આપેલા આદેશની અવગણના કરીને ફરીથી તેમની ગેરકાયદેસર રીતે અટક કરાઈ હતી. કાકવેન્ઝા પર દેશના શાસક પરિવારનું અપમાન કરવાનો આરોપ છે.
કમ્પાલાની અદાલતે તેમને જામીન આપ્યા હતા. તેઓ મંગળવારે જ જેલમાંથી મુક્ત થવાના હતા. તેમના વકીલ એરિન કિઝાએ જણાવ્યું હતું કે સવારે કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર તેમના જામીન મંજૂર કર્યા હતા. પરંતુ, બપોરે ૨.૩૦ વાગે કિટાલ્યા જેલમાંથી છૂટકારા પછી તરત જ સાદા કપડામાં સશસ્ત્ર માણસો આવ્યા હતા અને તેમને નંબર પ્લેટ વિનાની ટીન્ટેડ બ્લૂ કેબિન વ્હીકલમાં બળજબરીપૂર્વક બેસાડીને લઈ ગયા હતા. કાકવેન્ઝાને એન્ટેબીમાં SFC હેડક્વાર્ટરમાં લઈ જવાયા હોવાનું તેઓ માને છે. તેમણે ઉમેર્યું કે તેમને ફરી કોર્ટ સમક્ષ જવું જ પડશે.
વકીલોએ અગાઉ આક્ષેપ કર્યો હતો કે પ્રિઝન સર્વિસીસમાં રુકિરાબાશાઈજુ પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તેઓ જામીન અરજીની સુનાવણી માટે વીડિયો લીંક દ્વારા હાજર રહ્યા ત્યારે તેઓ નિર્બળ લાગતા હતા. તેમણે શરીર દૂખતું હોવાની ફરિયાદ કરતાં મેજિસ્ટ્રેટ ડગ્લાસ સિંગીઝાએ તેમને બેઠા બેઠા જવાબ આપવા જણાવ્યું હતું.