વિન્ધોક, નાઈરોબીઃ યુએસએની 71 વર્ષીય ફર્સ્ટ લેડી જિલ બાઈડને આફ્રિકાના બે દેશ નામિબીઆ અને કેન્યાની મુલાકાત લીધી છે. તેઓ આફ્રિકાના પાંચ દિવસના પ્રવાસે હતાં. મિસિસ બાઈડને કેન્યાની મુલાકાતમાં દુકાળની સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઈથિયોપિઆ, સોમાલિયા અને કેન્યામાં 22 મિલિયન લોકો સામે ભૂખમરાનું જોખમ છે. આ ઉપરાંત, તેમની મુલાકાતમાં મહિલા સશક્તિકરણ અને બાળકો-યુવાનોનો મુદ્દો પણ મુખ્ય રહ્યો હતો.
તેઓ બુધવાર 22 ફેબ્રુઆરીએ નામિબીઆના પ્રમુખ હેજ ગેઈન્ગોબ અને ફર્સ્ટ લેડી મોનિકા ગેઈન્ગોસને મળ્યાં હતાં. અહીં તેમણે કહ્યું હતું કે યુએન અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં આફ્રિકન દેશોનો અવાજ મજબૂતપણે રજૂ થાય તે માટે યુનાઈટેડ સ્ટેટ્સ પ્રતિબદ્ધ છે. ફર્સ્ટ લડી બાઈડન અન તેમની પૌત્રી નાઓમી બાઈડેન શુક્રવાર 24 ફેબ્રુઆરીએ કેન્યા પહોંચ્યાં હતાં. પ્રેસિડેન્ટ જો બાઈડેનની ડેમોક્રેટિક પાર્ટી કેન્યા સાથે અંગત સંબંધ ધરાવે છે. પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના પિતા કેન્યન હતા. ઓબામાએ 2006માં સેનેટર તરીકે અને 2015માં પ્રેસિડેન્ટ હતા ત્યારે કેન્યાની મુલાકાત લીધી હતી.