નાઈરોબીઃ કેન્યાના ડેપ્યુટી પ્રેસિડેન્ટ અને પ્રમુખપદના ઉમેદવાર વિલિયમ રુટોએ જો તેઓ ઓગસ્ટ મહિનામાં જીતી જશે તો કેન્યાવાસીઓ જે કામ કરી શકે તેમ હોય તેવી નોકરીઓમાંથી ચાઈનીઝ નાગરિકોને દેશનિકાલ કરી કરશે. ઈસ્ટ આફ્રિકાનું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતું કેન્યા કોવિડ-19 મહામારી અને યુક્રેનયુદ્ધના કારણે આર્થિક મુશ્કેલીમાં છે.
રુટોએ ઈકોનોમિક ફોરમ સમક્ષ કહ્યું હતું કે,‘ચીનના નાગરિકો ભલે મકાઈ શેકે અને મોબાઈલ ફોન્સ વેચે. આપણે તેમને તેમના દેશભેગા કરી દઈશું. આ બધી પ્રવૃત્તિઓ કેન્યનો માટે છે. વિદેશીઓ આ પ્રવૃત્તિ કરતા હોય તેની ચિંતા ન કરશો. તેમને દેશનિકાલ કરવા આપણી પાસે પૂરતાં વિમાનો છે.’
ત્રીજી મુદત લડી નહિ શકતા પ્રમુખ ઉહુરુ કેન્યાટાના અનુગામી બનવા તલપાપડ રુટોની કોમેન્ટનો નાઈરોબીસ્થિત ચીની દૂતાવાસે કોઈ ઉત્તર વાળ્યો નથી. વિશ્વ બેન્ક પછી કેન્યાનું બીજું સૌથી મોટું લેણદાર ચીન છે. ચીને કેન્યાના મોમ્બાસાથી નાઈવાશા રેલવેના સૌથી ખર્ચાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પાછળ 4.7 બિલિયન ડોલર્સનું રોકાણ કર્યું છે.