કમ્પાલાઃ યુગાન્ડાની હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝને પુરુષો દ્વારા તેમની પત્નીની સંમતિ વિના વિલમાં સંતાનોને મેટ્રિમોનિયલ પ્રોપર્ટી- સંપત્તિની વહેંચણી કરવાની પ્રથાને ગેરકાયદે ઠરાવી છે. દાદી એકિરિયા માવેમુકો કોલ્યા અને પૌત્ર હર્બર્ટ કોલ્યા વચ્ચે મકાનના ઝઘડામાં કોર્ટે ઠરાવ્યું હતું કે દાદા (ઈઝરાએલ કોકોમેકો કોલ્યા)એ હર્બર્ટના પિતાને જમીનનો હિસ્સો આપ્યો ત્યારે દાદી એકિરિયાની સંમતિ લેવાઈ ન હતી.
પૌત્ર હર્બર્ટ કોલ્યાએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેના સ્વર્ગવાસી પિતા (હર્બર્ટ લુકાન્ગા કોલ્યા)એ જમીન દાદા દ્વારાવિલ થકી વારસામાં અપાઈ હોવાનું કહ્યું હતું. પિતાના મૃત્યુ પછી તેમની પત્ની (માતા) જમીનના બે ભાગ પાડવા દાદી એકિરિયા પાસે જમીનના ટાઈટલના દસ્તાવેજોની નકલ માગવા ગઈ ત્યારે દાદીએ ઘર અને જમીનના માલિકી પોતાની હોવાનું જણાવી તે આપવા ઈનકાર કર્યો હતો. એક સાક્ષીએ ૧૯૯૭ના વિલમાં પોતાની સહી હોવાનું પણ જણાવ્યું હતું.
દાદીએ જણાવ્યું હતું કે તેમણે અને પતિએ સાથે મળી લગ્ન પહેલા આ વિવાદિત પ્રોપર્ટી મેળવી હતી. તેણે ઘરના નિર્માણમાં ઈંટો બનાવવા સહિતનો સાથ-સહકાર આપ્યો હતો. પતિએ ૧૯૯૭માં મૃત્યુ પહેલા વિલમાં આ પ્રોપર્ટી તેમના પુત્રને આપવાનું જાહેર કર્યું હતું પરંતુ, તેમાં તેમની સંમતિ લેવાઈ ન હતી.
જસ્ટિસ નામુન્ડીએ ઠરાવ્યું હતું કે વિલમાં દાદી એકિરિયાને જીવે કે અન્ય લગ્ન કરે ત્યાં સુધી ઘરમાં રહેવાનો અધિકાર હતો. જજે યુગાન્ડાની હાઈ કોર્ટ્સના અન્ય બે જૂના ચુકાદાઓના આધારે ઠરાવ્યું હતું કે પ્રોપર્ટી હાંસલ કરવામાં દરેક જીવનસાથીના પ્રત્યક્ષ કે પરોક્ષ ફાળાને ધ્યાનમાં લેવા જોઈએ. આથી વિવાદિત પ્રોપર્ટી મેટ્રિમોનિયલ પ્રોપર્ટી છે. જજે વિધવા પત્ની કરતાં પુત્રને વધુ મહત્ત્વ આપતા વિલને ખામીપૂર્ણ ગણાવી દાદાના મૃત્યુને બિનવસિયત ઠરાવ્યું હતું. દાદીએ વિલને એટેચ કર્યા વિના પ્રોપર્ટીના વહીવટી હકો મેળવ્યાં હોવાના પૌત્રના દાવાને પણ કોર્ટે નકાર્યો હતો.