પીટરમેરિટ્ઝબર્ગઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાને કોર્ટના અનાદર બદલ કરાયેલી સજા પૂર્ણ થયા પછી તેમને શુક્રવાર 7 ઓક્ટોબરે સત્તાવારપણે જેલમુક્ત કરવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર મુદ્દે ઈન્ક્વાયરીમાં ભાગ લેવાની હાઈ કોર્ટની સૂચનાને અવગણના બદલ ઝૂમાને ગત વર્ષની 7 જુલાઈએ 15 મહિનાની સજા સાથે જેલમાં મોકલાયા હતા.
જેકોબ ઝૂમાને જેલમાં મોકલાયા પછી તેમના સમર્થકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા અને ભારે હિંસા આચરી હતી. ઝૂમાએ સમર્થકોનો આભાર માનતા કહ્યું હતું કે મુક્ત માનવી બનવાથી રાહત મળી છે. ઝૂમાને 2021ના સપ્ટેમ્બરમાં તબીબી કારણોસર પરોલ પર મુક્ત કરાયા હતા પરંતુ, હાઈ કોર્ટે પેરોલનો નિર્ણય ફગાવી ડિસેમ્બરમાં ફરી જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. ઝૂમાએ ચુકાદા સામે અપીલ કરી હતી અને તેના ચુકાદો આવતા સુધી પેરોલ પર જ રહ્યા હતા. જોકે, તેમની સજાની મુદત પૂર્ણ થયા છતાં ચુકાદો આવ્યો ન હતો.