જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં 29 મેએ રાષ્ટ્રીય ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે 82 વર્ષીય પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમા પાર્લામેન્ટ માટે ઉમેદવારી કરી શકે કે નહિ તે મુદ્દે 10 મે શુક્રવારથી બંધારણીય કોર્ટમાં કાનૂની દલીલબાજી શરૂ થઈ છે. ઈલેક્ટોરલ કમિશન દ્વારા અપીલના પગલે શરૂ કરાયેલી આ સુનાવણીનું જનરલ ઈલેક્શન પર ભારે અસર કરી શકે છે. જો ઝૂમાને ઉમેદવારી ન કરવા દેવાય તો ભારે રમખાણો પણ મચી શકે છે.
ઝૂમાને 2018માં પ્રમુખપદ છોડવાની ફરજ પડી હતી અને ભ્રષ્ટાચાર ઈન્ક્વાયરીમાં હાજર નહિ રહેવા બદલ 2021માં તેમને 15 મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. ઝૂમા શાસક આફ્રિકન નેશનલ કોંગ્રેસ (ANC) પાર્ટી છોડી નવા પક્ષ એમ્ખોન્ટો વી સિઝવે (MK) માટે પ્રચાર કરી રહ્યા છે. ઓપિનિયન પોલ્સ દર્શાવે છે કે સત્તા પર 30 વર્ષ રહ્યા પછી ANC બહુમતી ગુમાવી શકે છે અને નવી પાર્ટી MK તેના માટે ધમકીસમાન છે કારણકે ઝૂમાના વતન ક્વાઝુલુ નાતાલ પ્રોવિન્સમાં ઝૂમા ભારે લોકપ્રિય છે.
માર્ચ મહિનામાં સાઉથ આફ્રિકાના ઈલેક્ટોરલ કમિશને 12 મહિના કે તેથી વધુ જેલની સજા ફરમાવાઈ હોય ત્યારે બંધારણ તેને ચૂંટણી લડવા પ્રતિબંધિત ઠરાવે છે તેવા આધારે સંસદીય બેઠક ધરાવવા બાબતે ઝૂમાને ગેરલાયક ઠરાવ્યા હતા. જોકે, એપ્રિલમાં કોર્ટે ઝૂમાને સજા સામે અપીલની તક નહિ અપાયાનું જણાવી ગેરલાયકાતને ફગાવી દીધી હતી.