જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રેસિડેન્ટ જેકોબ ઝૂમાને પ્રમુખપદની ચૂંટણી લડવા પર પ્રતિબંધના ઈલેક્ટોરલ કમિશનના ચુકાદાને દેશની ઈલેક્ટોરલ કોર્ટે ઉલટાવી નાખ્યો છે. સાઉથ આફ્રિકામાં 29 મેએ સામાન્ય ચૂટણી યોજાવાની છે. શાસક પાર્ટી આફ્રિકન નેશનલ કોંગ્રેસ છોડી જેકોબ ઝૂમા ગયા વર્ષે જ સ્થપાયેલી ઉમખોન્ટો વિસિઝ્વે પાર્ટી (MK)માં જોડાયા હતા. ઝૂમાની પ્રમુખપદની ઉમેદવારી મુદ્દે તેમના ક્રિમિનલ રેકોર્ડની ફરિયાદ મળવાથી ઈલેક્ટોરલ કમિશને તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
ઝૂમાના નાણાકીય ભ્રષ્ટાચાર અને ટોળકીવાદના આક્ષેપોની તપાસ કરી રહેલી પેનલ સમક્ષ જૂબાની આપવાના ઈનકાર પછી તેમને જૂન 2021માં 15 મહિનાની જેલની સજા ફરમાવાઈ હતી. ઈલેક્ટોરલ કોર્ટ સમક્ષ દલીલ કરાઈ હતી કે ઝૂમા સામે ક્રિમિનલ નહિ પરંતુ, દિવાની કાર્યવાહી ચલાવાઈ હતી તેથી તેમને ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવી શકાય નહિ. નબળાં અર્થતંત્ર તેમજ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપોથી ઘેરાયેલી આફ્રિકન નેશનલ કોંગ્રેસની લોકપ્રિયતા તળિયે બેઠી છે.